૪૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
હા, પણ જ્ઞાનીને પણ રાગ તો થતો દેખાય છે? અરે પ્રભુ! તને ખબર નથી ભાઈ! જ્ઞાનીને રાગદ્વેષ છે જ નહિ, કેમકે રાગદ્વેષ તો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તે અજ્ઞાનની ઓલાદ છે, અને જ્ઞાનીને અજ્ઞાન નથી. અહા! જેને સ્વનું લક્ષ જ થયું નથી એવા અજ્ઞાની જીવને, જેમાં પોતાના ગુણ નથી એવા પરદ્રવ્યોનું લક્ષ કરવાથી અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં સ્વદ્રવ્યથી નહિ, પરદ્રવ્યથી પણ નહિ, પણ પરથી ને રાગથી મને લાભ છે અને તે (-પર અને રાગ) મારું કર્તવ્ય છે એવા અજ્ઞાનથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે.
ભાઈ! પરદ્રવ્યમાં રાગદ્વેષ નથી; પરમાં તારા ગુણ નથી, અવગુણ પણ નથી. પરંતુ શુદ્ધ ચિદાનંદ ચૈતન્યચમત્કાર નિજ આત્માને ભૂલીને, વિકારને પોતાનું સ્વ માને છે તે મહા વિપરીતતા ને અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા....! સંતો કહે છે-અમારા કોઈ ગુણ અમે પરદ્રવ્યમાં દેખતા નથી, તો અમને રાગદ્વેષ કેમ ઉત્પન્ન થાય?
અહા! ત્રિકાળી ધ્રુવ આનંદકંદ પ્રભુ પોતે-તેનું લક્ષ છોડીને એક સમયની પર્યાય જેવડો પોતાને માને તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન જ રાગ-દ્વેષની ખાણ છે. પરદ્રવ્ય નહિ, સ્વદ્રવ્ય નહિ, પરંતુ પર્યાયબુદ્ધિ જ રાગદ્વેષની ખાણ છે. અહાહા....! આચાર્ય કહે છે-રાગદ્વેષમોહ વિષયોમાં નથી કેમકે વિષયો પરદ્રવ્ય છે, ને રાગ-દ્વેષ-મોહ સમ્યગ્દ્રષ્ટિમાં નથી કેમકે તેને અજ્ઞાનનો અભાવ છે. માટે, કહે છે, તેઓ છે જ નહિ. લ્યો, આવી વાત! એમ કે અજ્ઞાનભાવને છોડીને રાગ-દ્વેષ-મોહ કયાંય છે જ નહિ. સમજાય છે કાંઈ....?
અહા! ધર્મી જીવ જે સમ્યગ્દ્રષ્ટિ થયો તેને રાગદ્વેષ નથી. કિંચિત્ રાગાદિ થાય છે તે તો જ્ઞેયપણે છે. ઝીણી વાત છે પ્રભુ! ધર્મીની દ્રષ્ટિ તો ત્રિકાળી સ્વદ્રવ્ય પર છે; અને સ્વદ્રવ્યમાં ક્યાં રાગદ્વેષ છે? નથી; વળી પરદ્રવ્યમાં પણ રાગ-દ્વેષ-મોહ નથી, અને પરદ્રવ્યની ધર્મીને દ્રષ્ટિ પણ નથી, માટે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ કેમ હોય? ન જ હોય. તેથી આચાર્ય કહે છે- ‘તેઓ (રાગદ્વેષમોહ) છે જ નહિ.’ કિંચિત્ રાગદ્વેષ છે એ તો ધર્મીને જ્ઞાનના જ્ઞેયપણે છે; તેનું એને સ્વામિત્વ નથી. માટે જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ નથી. આવી વાત છે.
અરે! આ સમજ્યા વિના બધો કાળ વિષય-કષાયની પ્રવૃત્તિમાં વીતી જાય, પણ કહ્યું છે ને કે-
બાળપણ ખેલમેં ખોયા, જુવાની સ્ત્રી વિષે મોહ્યા; બૂઢાપા દેખકે રોયા....;