Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3456 of 4199

 

સમયસાર ગાથા-૩૭૨ઃ પ

‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી’; અહાહા....! આ શું કહે છે? અત્યારે તો આ મોટી ચર્ચા (વિવાદ) ચાલે છે-એમ કે ‘કર્મથી વિકાર થાય છે, જીવને કર્મ વિકાર ઉપજાવે છે’; પણ અહીં તો આચાર્યદેવ કહે છે -જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. ભાઈ! જીવને પરથી-કર્મથી વિકાર થાય છે એવી તારી માન્યતા મિથ્યા છે. વિકારને ટાળવો એ તો હજુ પછી વાત, વિકાર કેમ થાય છે-વિકાર પોતાથી થાય છે, કોઈ પરદ્રવ્યથી નહિ-એમ નક્કી તો કર. (એમ કે વિકાર કેમ થાય છે એ નક્કી કર્યા વિના નિર્વિકાર કેમ થઈશ?).

અહાહા....! કહે છે-જીવને પર્યાયમાં રાગદ્વેષ, પુણ્ય-પાપના ભાવ ને કામ, ક્રોધ, વિષયવાસના આદિના જે પરિણામ થાય છે તે પરદ્રવ્યથી-કર્મથી થાય છે એમ શંકા ન કરવી, અનુકૂળ સંયોગથી રાગ ઉત્પન્ન થાય, ને પ્રતિકૂળ સંયોગથી દ્વેષ ઉત્પન્ન થાય-એવી માન્યતા મિથ્યાત્વ છે. ભાઈ! પરદ્રવ્યથી પરદ્રવ્યના પરિણામ નીપજે એ માન્યતા મિથ્યાત્વ છે. આ બધાં કારખાનાં હાલે છે ને? ભાઈ! એને હું હલાવું છું એમ માને એ મિથ્યાત્વ છે. સમજાય છે કાંઈ....?

અહાહા...! ભગવાન! તું કોણ છો? તને ખબર નથી પ્રભુ! પણ પરદ્રવ્યનું કાંઈ કરી શકે એવી તાકાત-યોગ્યતા તારામાં નથી, અને તારામાં કાંઈ કરી શકે એવી તાકાત- યોગ્યતા પરદ્રવ્યમાં નથી. અહીં આ સ્પષ્ટ કહે છે કે -અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો-ગુણ એટલે પર્યાયનો-ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે. માટે કોઈ પણ પરદ્રવ્યનું કાર્ય હું કરી શકું, અને પરદ્રવ્ય મારું કામ કરે-એમ તું માને એ મિથ્યા ભ્રમરૂપ અજ્ઞાન છે, પાખંડ છે. સમજાય છે કાંઈ.....?

અહા! આ જીવને, પરનાં કામ હું કરું ને પર મારાં કામ કરે એવી ઊંધી માન્યતાનું શલ્ય-મિથ્યાશ્રદ્ધાન અનાદિથી જ છે. કોઈ વળી તે મિથ્યાશ્રદ્ધાન દર્શનમોહનીય કર્મના કારણે થયું છે એમ માને છે; પણ ભાઈ! એ તારી માન્યતા જૂઠી છે. મોહકર્મનું એમાં નિમિત્ત હો, પણ નિમિત્ત-પરદ્રવ્ય એને શું કરે? કાંઈ ન કરે. નિમિત્ત-કર્મ જીવને રાગદ્વેષમોહ ઉપજાવે છે એ વાત બિલકુલ જૂઠી છે, ત્રણકાળમાં એ વાત સત્ય નથી.

સંપ્રદાયમાં આ વાતની ચર્ચા ચાલેલી. અમારા ગુરુ હતા તે બધું કર્મથી થાય એમ માનતા. ત્યારે સભામાં કહ્યું હતું કે-જીવમાં ભ્રમણા અને મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે પોતાથી થાય છે, પરદ્રવ્યથી-કર્મથી વિકાર થાય એ વાત જૂઠી છે. -વાત સાંભળી લોકોમાં ખળભળાટ થઈ ગયેલો. સંપ્રદાયમાં કર્મનું લાકડું ગરી ગયેલું ખરું ને! તેથી ખળભળાટ થઈ ગયો; પણ કીધું કે આ સત્ય છે. જુઓ, એ સત્ય આચાર્યદેવ કહે છે કે- જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી.