૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહાહા...! ભગવાન આત્મા અનંત જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. અહા! તેની રુચિ ને ભાવના કરવી છોડીને ભગવાન! તું બહારની જડ લક્ષ્મીની રુચિ કરે છે? મને આ મળે ને તે મળે એમ પરદ્રવ્યની તને ભાવના છે તો તું મોટો ભિખારી છે, માગણ છે. બહારની લક્ષ્મી એ તારી ચીજ નથી અને તેનો સંયોગ થવો એ તારું - તારા ડહાપણનું (પુરુષાર્થનું) કાર્ય નથી, પુણ્યનો ઉદય હોય તો તે મળે છે; તેને હું પુરુષાર્થ કરીને મેળવું એમ તું એની પાછળ રચ્યો રહે પણ એ તારી મિથ્યા પ્રવૃત્તિ છે ભાઈ! કેમકે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ગુણ કરાવાની અયોગ્યતા છે. આવી વાત! સમજાય છે કાંઈ.....?
અહાહા...! ત્રણકાળની સર્વદ્રવ્યની સર્વ પર્યાયોને આત્મા જાણે એવું એનું સામર્થ્ય-યોગ્યતા છે, પણ પરની ક્રિયા થાય તેને જીવ કરી શકતો નથી; પરની ક્રિયા કરવાની તેની અયોગ્યતા છે. આ શરીરને ચલાવવાની, હાથ-પગ હલાવવાની ને બહારની ધનાદિ સામગ્રી મેળવવાની કહે છે, જીવની અયોગ્યતા છે. તથાપિ હું શરીરને ચલાવી શકું, હાથ-પગ હલાવી શકું, ધનાદિ કમાઈ શકું ને કુંટુંબનાં કામ કરી શકું ઈત્યાદિ કોઈ માને તો તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ જીવ છે. અહા! પરમાણુ જડ છે, ને તે જડનાં કાર્ય જડથી થાય છે, આત્માથી નહિ; અને રાગદ્વેષાદિ જીવના પરિણામ છે અને તે પોતાથી થાય છે. પરદ્રવ્યથી નહિ.
પરદ્રવ્ય-કર્મ, શરીર, સ્ત્રી-કુટુંબ પરિવાર ને ધનાદિ સામગ્રી, દેવ-ગુરુ આદિ -એ બધા જીવને પુણ્ય-પાપ આદિ ભાવ ઉપજાવે છે એમ શંકા ન કરવી. શું કીધું? આ જિનબિંબના દર્શન થતાં એને શુભભાવ થયો ત્યાં એ શુભભાવ જિનબિંબના કારણે થયો છે એમ શંકા ન કરવી. વળી કોઈએ ગાળ દીધી ત્યાં ગાળ સાંભળતા રોષ થયો, તે રોષ પરને કારણે થયો છે એમ કહે છે, શંકા ન કરવી. કારણ? કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ભાઈ! તારી રાગદ્વેષાદિની પર્યાય સ્વભાવની યોગ્યતાથી જ તે તે કાળે ઉત્પન્ન થાય છે, તેમાં પરદ્રવ્ય બિલકુલ કારણ નથી. આવી વાત! ભાઈ! તારી ઊંધી માન્યતાનું આખું ચક્ર ફેરવી નાખ. (જો તને ધર્મની ભાવના છે તો).
આ આંખની પાંપણ ઊંચી-નીચી થાય છે ને? અહા! તે ક્રિયા આત્માએ કરી છે એમ શંકા ન કરવી; કેમકે પાંપણ અન્ય દ્રવ્ય છે અને આત્મા અન્ય દ્રવ્ય છે. ભાઈ! એક તણખલાના બે ટુકડા આત્મા કરી શકે નહિ-આ વસ્તુસ્વરૂપ છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવે અનંતા દ્રવ્યો-અનંત જીવ, અનંતાનંત પુદ્ગલો, ધર્મ, અધર્મ, આકાશ ને અસંખ્યાત કાલાણુઓ એમ અનંતા દ્રવ્યો-