૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ભાર જેમ શ્વાન તાણે’-એના જેવી વાત છે. અહીં ભગવાન ફરમાવે છે કે પરદ્રવ્ય-કર્મ જીવને વિકાર કરાવે છે અને પરદ્રવ્યની પર્યાયને જીવ ઉપજાવે છે-એમ શંકા ન કર; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. વિકાર થાય એ પણ પર્યાયનો સ્વભાવ છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પોતાની પર્યાયની યોગ્યતાના સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ભગવાનની પ્રતિમાનાં દર્શનના ભાવ થાય તે પોતાથી થાય છે, અશુભથી બચવા એવો ભાવ આવે છે પણ એ કાંઈ પ્રતિમાના કારણે થાય છે એમ નથી; તથા મંદિર ને પ્રતિમા આદિ જે વ્યવસ્થા છે તે કાંઈ જીવના કારણે થઈ છે એમ નથી. ભાઈ! જડ ને ચેતન દ્રવ્યોમાં પ્રતિસમય જે જે અવસ્થા થાય તેની વ્યવસ્થા તે તે જડ-ચેતન દ્રવ્યોની છે, અન્ય દ્રવ્ય તેમાં કાંઈ કરતું નથી, કરી શકતું નથી. માટે અમે દાન દીધાં, ને અમે મંદિર બનાવ્યાં, ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવી ને ધર્મશાળા બંધાવી ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયા કરવાનાં અભિમાન તું કરે એ પાખંડ સિવાય બીજું કાંઈ નથી. નિમિત્તથી કાર્ય થાય એવી શ્રદ્ધા અત્યારે કોઈ પંડિતોમાં વર્તે છે એય મિથ્યા શ્રદ્ધા અને પાખંડ જ છે.
અહાહા....! દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા ગણધરો, ઇન્દ્રો ને મુનિવરોની સભામાં જે ફરમાવતા હતા તે વાત અહીં આ આવી છે. બહુ સૂક્ષ્મ ને ગંભીર! સમજાય તેટલી સમજો બાપુ! કહે છે-અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ગુણ કરાવાની અયોગ્યતા છે, કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. અહાહા.....! અનંત આત્માઓ, અનંતાનંત રજકણો-એ પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય થતી પર્યાય-વિકારી કે નિર્વિકારી પોતાથી ઉત્પન્ન થાય છે. વિકાર ઉત્પન્ન થાય તે પણ તે તે પર્યાયનો સ્વભાવ છે, કર્મ તેમાં નિમિત્ત હો, પણ કર્મનું એમાં કાંઈ કર્તવ્ય નથી.
અમારી સાથે એકવાર એક શ્વેતાંબર સાધુ લીમડીમાં ચર્ચા કરવા આવેલા. તે બડાશથી કહે-તમે સિંહ છો તો અમે સિંહના બચ્ચા છીએ; અમારી સાથે ચર્ચા કરો. ત્યારે કહ્યું-અમે સિંહેય નથી ને અમે કોઈની સાથે નાહકની ચર્ચામાં ઉતરતાય નથી. તો થોડી વાર પછી એ બોલ્યા-શું ચશ્મા વિના જોઈ શકાય? અમે કહ્યું-ભાઈ! આ તો ચર્ચા (પૂરી) થઈ ગઈ. (એમ કે ઊંધી દ્રષ્ટિનો જ આગ્રહ છે ત્યાં કોની સાથે ચર્ચા કરવી?)
ખરેખર જોવા-જાણવાની ક્રિયા થાય છે એ તો જીવમાં પોતાની પોતાથી થાય છે; એમાં ચશ્માંનું શું કામ છે? ચશ્માં તો બાહ્ય નિમિત્તમાત્ર છે બસ. વાસ્તવમાં ચશ્માં વિના જ અંદર જાણવાનું કામ થઈ રહ્યું છે; કારણ કે પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ મહા સિદ્ધાંત છે. હવે કહે છે-આ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે-