‘માટી કુંભારભાવે (ઘડાભાવે) ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પણ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.
જુઓ, અહીં કુંભાર ઘડાને ઉત્પન્ન કરે છે એ વાત ખોટી છે એમ સિદ્ધ કરે છે. કહે છે-માટી ઘડારૂપે ઉપજે છે તે કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? માટીના સ્વભાવથી ઉપજે છે, કુંભારના સ્વભાવથી નહિ. જો કુંભારના સ્વભાવથી માટી ઘડારૂપે થતી હોય તો કુંભારનો સ્વભાવ ને કુંભારના શરીરનો આકાર ઘડામાં આવવો જોઈએ. પણ એમ તો છે નહિ. ઘડામાં તો માટીનો સ્વભાવ જ આવ્યો છે, કુંભારનો નહિ. ઘડો બનવાના કાળે કુંભાર, ‘હું ઘડો કરું છું’ -એવો અહંકાર કરો તો કરો, પણ કુંભારનો સ્વભાવ ને આકાર ઘડામાં કદીય આવતો નથી. આ વસ્તુસ્થિતિ છે ભાઈ!
જ્ઞાનીને પરલક્ષે રાગ આવે છે, પણ પરનો તે કર્તા નથી ને રાગનોય કર્તા નથી. તેને રાગથી ભેદજ્ઞાન છે ને? તેથી જ્ઞાનમાં રાગને પરજ્ઞેયપણે જાણે જ છે બસ. તે રાગનો કર્તા નથી. અહીં એ વાત નથી. અહીં તો પરદ્રવ્યની પર્યાય, બીજું પરદ્રવ્ય કરી શકે નહિ એટલું સિદ્ધ કરવું છે. કુંભાર જ્ઞાની હો કે અજ્ઞાની, તે માટીની કુંભભાવે થતી અવસ્થાને કરી શકે નહિ એમ અહીં સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ.....?
અહાહા....! કહે છે-ઘડાનો કર્તા જો કુંભાર હોય તો ઘડો કરવાનો જેને રાગ થયો છે અને જેનો હાથ વ્યાપાર કરે છે એવા કુંભારના શરીરના આકારે ઘડો થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી. કેમ? કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અહાહા....! કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્યના સ્વભાવે ત્રણકાળમાં થતી નથી. પરદ્રવ્ય નિમિત્ત હો, પણ પરદ્રવ્યથી કોઈ દ્રવ્યની પર્યાય થાય એમ કદીય બનતું નથી. માટીનો ઘડો થાય એમાં કુંભાર નિમિત્ત હો, નિમિત્તની કોણ ના પાડે છે? પણ કુંભારથી-નિમિત્તથી માટીનો ઘડો થાય છે એ વાત ત્રણકાળમાં સત્ય નથી.
આ પાણી ઉનું થાય છે ને? તે અગ્નિથી ઉનું થાય છે એમ, દેખવામાં આવતું નથી. અહાહા....! (પાણીના રજકણોના) સ્પર્શગુણની પર્યાય પહેલાં ઠંડી હતી તે બદલીને ઉષ્ણ થઈ છે તે અગ્નિથી થઈ છે એમ અમને દેખવામાં આવતું નથી-એમ સંતો-કેવળીના કેડાયતીઓ કહે છે.