૧૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
પણ પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને? અહાહા.....! આચાર્ય કહે છે-અમને પાણી અગ્નિથી ઉનું થતું દેખવામાં આવતું નથી. જો કોઈને એમ દેખાય છે તો તે (અજ્ઞાનથી) અંધ છે. તેને અજ્ઞાનથી જે દેખાય તે યથાર્થ વસ્તુસ્વરૂપ નથી. પાણીની શીત અવસ્થા બદલીને ઉષ્ણ થઈ તે કાળે અગ્નિ નિમિત્ત હો, પણ અગ્નિએ એમાં કાંઈ કર્યું નથી. અગ્નિ તો પાણીના રજકણોને અડીય નથી.
આ ભાષા બોલાય છે ને? અહીં કહે છે-આત્માથી ભાષા બોલાય એમ અમને દેખવામાં આવતું નથી. ભાષાની પર્યાય તો ભાષાના વચનવર્ગણાના પરમાણુથી ઉત્પન્ન થઈ છે. આત્મા ભાષા કરી શકે એ સંભવિત જ નથી, કેમકે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. પરની દયા પાળવી ને દાન કરવું ઈત્યાદિને લોકો ધર્મ માને છે, પણ તે યથાર્થ નથી, કેમકે પરદ્રવ્યનાં પરિણામ આત્મા કરી શકતો નથી. આવી વાત છે. હવે કહે છે--
‘જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી ઉપજે છે.’
જોયું? કહે છે- માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. અહાહા....! પહેલાં કહ્યું કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી; હવે કહે છે-પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આવી જ વસ્તુસ્થિતિ છે ભાઈ! માટે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ. માટી જ, કુંભારના સ્વભાવને સ્પર્શ્યા વિના, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે. અહાહા.....! માટી જ પોતાના સ્વભાવથી ઘડારૂપે પરિણમે છે. અહાહા....! આ પ્રમાણે માટી જ ઘડાનો કર્તા છે, કુંભાર કદીય નહિ. કુંભાર તો નિમિત્ત હો, પણ તે ઘડાની પર્યાયનો ઉત્પાદક કદીય નથી.
તો કુંભારે ઘડો કર્યો એમ કહેવાય છે ને? હા, કુંભારે ઘડો કર્યો, બાઈએ ભરત ભર્યું ઈત્યાદિ કહેવું એ બધાં નિમિત્ત પ્રધાન કથન છે, વસ્તુસ્વરૂપ એમ નથી. આ મહાસિદ્ધાંત છે ભાઈ! ઘડો થવાની યોગ્યતાના કાળે માટી જ ઘડારૂપે ઉપજી ઘડો ઉત્પન્ન કરે છે. કુંભાર તે વખતે બાહ્ય નિમિત્ત હો, પણ કુંભારથી ઘડો ઉત્પન્ન થાય એમ ત્રણકાળમાં નથી.