અહાહા....! પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી જ તે તે કાળે તે તે પર્યાયરૂપે પરિણમી જાય છે. એવી જ દ્રવ્યની યોગ્યતા છે, એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી; તે તે પર્યાય પરદ્રવ્યથી ઉપજે એમ ત્રણકાળમાં બનતું નથી. જો પરથી તે તે પર્યાય થાય તો તે દ્રવ્યે પોતે શું કર્યું? દ્રવ્ય છે તેની તે તે કાળે પર્યાય તો હોવી જોઈએ ને? પર્યાય વિનાનું શું દ્રવ્ય હોય છે? નથી હોતું. તો પછી પર્યાયનું કર્તા તે દ્રવ્ય પોતે જ છે, અન્યદ્રવ્ય તો બાહ્ય નિમિત્તમાત્ર છે. અન્યદ્રવ્યથી કાર્ય થયું એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે બસ. સમજાણું કાંઈ....?
અરે! દુનિયા તો અજ્ઞાનમાં પડી છે. તેને આગમની ખબર નથી. આગમનું પ્રયોજન તો આ છે કે-પરથી પોતાનું કાર્ય થાય એમ કદીય બનતું સંભવિત નથી. અહાહા....! પોતે એક જ્ઞાયકભાવમાત્ર જ્ઞાનાનંદ પ્રભુ છે, તે એકના આશ્રયથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે આ આગમ છે. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં રાગની- વ્યવહારરત્નત્રયની કે કર્મના ઉપશમાદિની કોઈ અપેક્ષા નથી. સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળે કર્મના ઉપશમાદિ હો, પણ એ તો બાહ્ય નિમિત્તમાત્ર છે. એનાથી સમ્યગ્દર્શન થાય એમ કોઈ માને તો એ તો મૂઢ, મિથ્યાદ્રષ્ટિ છે.
દરેક દ્રવ્યની દરેક પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, તેનો ઉત્પાદક કોઈ બીજો નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનની પર્યાય અહીં ઉઘાડરૂપે થઈ છે એમ નથી; કેમકે જ્ઞાનાવરણીય કર્મ તો જડ છે, અને જે ઉઘાડરૂપ ક્ષયોપશમ છે એ તો જ્ઞાનની પર્યાય છે. કર્મથી જ્ઞાનની પર્યાય પ્રગટતી નથી, કેમકે જડ અને ચેતન તત્ત્વ એ બન્નેનો તો પ્રગટ સ્વભાવ જ ભિન્ન ભિન્ન છે. અરે! ધર્મ કરવો છે પણ લોકોને વીતરાગે કહેલા તત્ત્વની ખબર નથી. જ્યાં ત્યાં તેઓ પરને પોતાનો (સમકિત વગેરેનો) ને પોતાને પરનો કર્તા માને છે પણ એ તો એમની મિથ્યા શ્રદ્ધા છે, શલ્ય છે.
અહીં કહે છે-માટી જે પોતાના સ્વભાવથી ઘડારૂપે પરિણમે છે તે કુંભારના સ્વભાવને સ્પર્શતી સુદ્ધાં નથી. શું કીધું? આ માટીની ઘડાની પર્યાય થાય તે કુંભારના હાથને અડતી નથી અને કુંભારનો હાથ ઘડાની પર્યાય થાય તેને અડતો નથી. તેઓ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે તેથી તેઓ એક બીજાને સ્પર્શે એમ ત્રણકાળમાં બનતું નથી. એકબીજા વચ્ચે અત્યંત અભાવ છે, માટે માટી પોતે જ કુંભભાવે ઉપજે છે-આ સિદ્ધાંત છે. હવે આવું સત્યાર્થ જ્ઞાન કર્યા વિના ભાઈ! તું ક્રિયાકાંડમાં રચ્યોપચ્યો રહે પણ એ તો બધાં થોથાં છે, સંસાર સિવાય એનું ફળ બીજું કાંઈ નથી. સમજાણું કાંઈ....? હવે કહે છે-
‘એવી રીતે-બધાંય દ્રવ્યો સ્વપરિણામપર્યાયે (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે)