સ્થાનમાં આર્ત્ત-રૌદ્રધ્યાનના પરિણામ પણ થાય છે. રુચિ નથી, છતાં થાય છે. એ ભાવ પાપ છે, પણ તે થાય છે અને આત્માની પર્યાયમાં જ થાય છે. તે થાય છે પોતાના કારણે, કર્મના કારણે નહિ, કર્મથી નહિ. સમજાણું કાંઈ.....?
તો સમ્યગ્દ્રષ્ટિને-ધર્મીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિકારભાવ હોતો નથી એમ કહ્યું છે ને?
હા, કહ્યું છે; પણ એ તો ભાઈ! સ્વભાવની દ્રષ્ટિમાં વિકારને ગૌણ કરીને વાત કરી છે.
એમ તો સમયસાર ગાથા ૧૧ માં ન આવ્યું કે વ્યવહાર અભૂતાર્થ છે, અર્થાત્ પર્યાયમાત્ર અભૂતાર્થ છે, એક શુદ્ધ આત્મા ચૈતન્યઘન પ્રભુ ભૂતાર્થ છે. ત્યાં તો પ્રમત્ત- અપ્રમત્ત, મોક્ષમાર્ગ અને કેવળજ્ઞાન સહિતની સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી, અસત્યાર્થ કહી. પણ કઈ અપેક્ષાએ? ગૌણ કરીને તેને અભૂતાર્થ, અવિદ્યમાન અને અસત્ય-જૂઠી કહી છે. દ્રવ્ય ત્રિકાળી છે તેને મુખ્ય કરીને, તેને નિશ્ચય કહીને તેનો જ આશ્રય કરાવવાના પ્રયોજનથી પર્યાયમાત્રને ગૌણ કરી, વ્યવહાર કહીને અભૂતાર્થ કહી છે.
રાગદ્વેષ છોડાવવા માટે તેઓ સ્વભાવમાં નથી એમ કહ્યું, પણ તેઓ પર્યાયમાં નથી એમ ક્યાં વાત છે? ધર્માત્મા પણ જેટલો આત્માનો આશ્રય લે તેટલો તેને રાગ અને દુઃખ નથી, પરંતુ સર્વથા દુઃખનો અભાવ એને ક્યાં થયો છે? સર્વથા દુઃખનો અભાવ તો તેરમા ગુણસ્થાને થાય છે. દસમા ગુણસ્થાનમાં પણ હજુ અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ છે અને એટલું દુઃખ છે. ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને રાગ છે, અને રાગ છે તો દુઃખ છે. બારમા ગુણસ્થાનમાં બિલકુલ રાગ નથી, રાગ નથી એટલે દુઃખ નથી, એકલું સુખ છે. તેરમા ગુણસ્થાને અનંત સુખ છે. આવી વાત! અહીં તો એમ વાત છે કે જ્ઞાનીને પણ પર્યાયમાં રાગ હોય છે, અને તે પોતાથી જ હોય છે, કર્મના કારણે નહિ, અહીં કહ્યું ને કે-
રાગદ્વેષની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ કારણપણું માને છે, પોતાનું કાંઈ કારણ માનતા નથી તેઓ ‘शुद्ध–बोध–विधुर–अन्ध–बुद्धयः’ શુદ્ધજ્ઞાનથી રહિત અન્ધ છે બુદ્ધિ જેમની એવા મોહનદીને ઉતરી શકતા નથી. અહાહા....! જેમ સ્ત્રીને પતિ મરી જાય તો તે વિધવા કહેવાય, ને પુરુષને પત્ની મરી જાય તો વિધુર કહેવાય છે. તેમ વિકાર કર્મથી જ થાય એમ જે માને છે તે, કહે છે, વિધુર છે, બોધ-વિધુર છે. અહા! વિકારની દશા પરદ્રવ્યથી જ થવી માને તે વિધુર થઈ ગયો છે, તે સમ્યગ્દર્શનની પર્યાયથી રંડાઈ ગયો છે; અર્થાત્ તે શુદ્ધજ્ઞાનથી રહિત આંધળો છે; તે સંસારને પાર કરી શકતો નથી.
કળશટીકામાં એમ લીધું છે કે-“એવો મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ મોહ-રાગ-દ્વેષ