૨૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ સંપન્ન ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા છે. આમાં ચૈતન્યની મુખ્યતા લીધી છે, પણ ચૈતન્ય સાથે જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા, પ્રકાશ, કર્તા, કર્મ, કરણ ઈત્યાદિ અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અહાહા....! અનંત શક્તિઓનું અભેદ એક દળ એવું આત્મદ્રવ્ય તે દ્રષ્ટિનો વિષય છે.
આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. તે એકેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. જેમકે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. શું કીધું? જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણ છે એમ નહિ, પણ અસ્તિત્વ ગુણનું રૂપ તેમાં હોય છે. જેમકે - જ્ઞાન ગુણ છે. ત્યાં ‘છે’ એવું હોવાપણું-અસ્તિપણું જ્ઞાન ગુણમાં છે. આ રીતે એકેક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. અહા! આવા અનંત સામર્થ્યથી ભરેલું પોતાનું આત્મદ્રવ્ય પરમ આશ્ચર્યકારી તત્ત્વ છે.
આ જગતમાં અનંત આત્માઓ છે; તેનાથી અનંતગુણા પુદ્ગલ-પરમાણુ છે, તેનાથી અનંતગુણા ત્રણકાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવદ્રવ્યના ગુણો છે, આવો અનંતશક્તિવાળો ભગવાન આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. અહાહા.....! જેમાં રાગ નહિ, ભંગ-ભેદ નહિ, અલ્પજ્ઞતા નહિ એવો ચૈતન્ય ચમત્કાર, આનંદ-ચમત્કાર, શાંતિચમત્કાર, પ્રભુતા ચમત્કાર, વીર્ય ચમત્કાર -એમ અનંત અનંત શક્તિઓના ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા છે. તે નિત્ય છે, જેને આદિ નથી, અંત નથી એવી અનાદિઅનંત શુદ્ધ શાશ્વત વસ્તુ છે. શક્તિ અનંત છે છતાં વસ્તુ અંદર અભેદ એકરૂપ છે. અહા! આવી અનંતગુણમંડિત, અભેદ, એક શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા દ્રષ્ટિનો વિષય છે તેના આશ્રયથી ધર્મનું પ્રથમ સોપાન એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
હવે કહે છે-તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. અહા! પોતે ત્રિકાળ એકરૂપ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં વર્તમાન પર્યાયમાં અનાદિકાળથી મોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે-તે પોતાના અપરાધથી જ પરિણમે છે. જો અશુદ્ધરૂપે-વિકારરૂપે પર્યાયમાં પરિણમતો ન હોય તો આત્મા પોતે તો ચિદાનંદઘન પ્રભુ છે તેથી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો જોઈએ. પણ અરે! અતીન્દ્રિય આનંદનું વેદન તો તેને વર્તમાનમાં નથી. માટે પર્યાયમાં રાગાદિ વિકાર છે અને તે પોતાના જ અપરાધથી છે.
અહા! તારા સ્વરૂપના મહિમાની શું વાત કરવી પ્રભુ! સર્વજ્ઞની વાણીમાં પણ જેના પૂર્ણસ્વરૂપની વાત આવી શકે નહિ એવો તું ચૈતન્યચમત્કાર પ્રભુ છો. વાણી તો જડ માટી-ધૂળ છે. તેમાં ચૈતન્યના મહિમાનું કેટલું કથન આવી શકે? તેમાં તો ઈશારા આવે. અહા! તેમાં કહે છે-આવો આત્મા પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે અને તેમાં