ગાથા ૨૦-૨૧-૨૨ ] [ ૭પ એકત્વબુદ્ધિ કરીને મરી ગયો (સંસારમાં રખડયો). પણ ભાઈ! પહેલાંય શરીર તારું કયારે હતું અને અત્યારે પણ તારું કયાં છે? કોઈ કાળે પણ (પરમાં) પ્રવૃત્તિ તું માને એમ થતી નથી.
મોક્ષ અધિકારમાં એમ લીધું છે કે રાગ અને ભગવાન આત્મા વચ્ચે સંધિ છે, તડ છે, નિઃસંધિ-એક કદીય થયા નથી. આવો પાઠ છે. ફક્ત તેં એમ માન્યું છે કે આ રાગ, પુણ્ય, વિકલ્પ ઇત્યાદિ મારાં. એ તારી માન્યતામાં નિઃસંધિ-એકપણું છે. બાકી ખરેખર બે વચ્ચે સંધિ-તડ છે. આ લોકમાં આત્મા છે એ અનાત્મા સાથે કોઈ પ્રકારે ખરેખર એકપણું પામતો નથી, કારણ કે તે એક છે. તે બગડે બે થતો નથી. એકડે એક અને બગડે બે. આત્મા એકપણે છે અને રાગ બીજી ચીજ છે. આત્મા રાગ સાથે એકપણું પામતો નથી, જો એકપણું પામે તો તે આત્મા બગડી જાય, બગડે બે થઈ જાય. પરંતુ આત્મા બધાય અન્ય દ્રવ્ય-રાગાદિ વિકલ્પો સાથે એકરૂપ થતો નથી કેમકે તે એક ‘एकः’ છે. આ ધર્મની રીત છે.
આત્મા કોઈ કાળે અને કોઈ પ્રકારે પરદ્રવ્ય સાથે એટલે રાગ, શરીર, મન, વાણી, કર્મ, દેશ, જડ ઇન્દ્રિયો સાથે, અરે ખંડ ખંડ ભાવેન્દ્રિયો સાથે એક્તાભાવને પામતો નથી. આ રીતે આચાર્યે અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો મોહ એટલે પરમાં થયેલી સાવધાનીથી આત્માનું ભેદજ્ઞાન બતાવ્યું છે, અને પ્રેરણા કરી છે કે એ એકપણાના મોહને હવે છોડો. રાગાદિ સાથેના એકપણાને હવે છોડી આત્મા એક છે એની સાથે એક્તા પ્રાપ્ત કરો, જ્ઞાનસ્વભાવ સાથે એકપણું પ્રગટ કરો, નિજ જ્ઞાનસ્વરૂપ આત્માના આનંદને આસ્વાદો-જ્ઞાનને આસ્વાદો. અહો! અમૃતચંદ્રાચાર્યના કળશો ઘણા ગંભીર છે. એમની ટીકા પણ ઘણી ગંભીર છે. શાસ્ત્રોમાં કાંઈ ભાવ ભર્યા છે એમણે! જેમ આંચળમાંથી દૂધ સંભાળપૂર્વક દોહીને કાઢે તેમ શાસ્ત્રોમાં ભરેલા ભાવો તર્કની ભીંસ દઈને કાઢયા છે, ટીકામાં ભર્યા છે.
ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ (ચૈતન્યસ્વરૂપ) છે. રાગભાવ એ અચેતનસ્વરૂપ છે. ચાહે તો દયા, દાન, કે વ્રતનો વિકલ્પ હો કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો, એ (સઘળા) વિકલ્પ અચેતન છે. તેમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. રાગમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. માટે તે રાગનું આસ્વાદવું છોડી આ જ્ઞાનસ્વરૂપ આત્માને આસ્વાદો. ભગવાન આત્મામાં આનંદ, સુખનો આસ્વાદ છે. અનાદિકાળથી રાગનો આસ્વાદ કર્યો તે દુઃખનો-આકુળતાનો સ્વાદ હતો, એમાં કાંઈ નવીન નથી. તેથી નવું કરવું હોય તો જ્ઞાનને આસ્વાદો એમ કહે છે.
‘મોહ છે તે વૃથા છે.’ ભાષા જુઓ. મોહ છે તે વૃથા અને અમોહ તે સફળ. મોહ કહેતાં પરમાં સાવધાની તે વૃથા-અફળ (મોક્ષ માટે છે.) અને અમોહ કહેતાં