અહાહા......! શું ટીકા છે! આત્મા જ્ઞાનસ્વરૂપી શીતળ શીતળ શાંતસ્વભાવથી ભરેલો ચૈતન્યચંદ્ર જિનચંદ્ર પ્રભુ છે. અહીં કહે છે- એનાથી અર્થાત્ જ્ઞાનસ્વભાવથી અન્ય ભાવોમાં એમ અનુભવવું કે ‘આ હું છું’ એ અજ્ઞાનચેતના છે. આવી ચોખ્ખી વાત છે બાપા! ‘અન્ય ભાવો’ એટલે શું? કે આ પર્યાયમાં થતા પુણ્ય-પાપના શુભાશુભ ભાવ અને એનું ફળ બંધ અને સંયોગ એ બધા અન્ય ભાવો છે; અને એમાં ‘આ હું છું’ એમ ચેતવું તે અજ્ઞાનચેતના છે એમ કહે છે. ભાઈ! દયા, દાન, વ્રતાદિના પરિણામ તે શુભભાવ પુણ્યતત્ત્વ છે, ને તેમાં ‘આ હું છું’ એમ ચેતવું તે અજ્ઞાન-ચેતના છે. અહીં ‘જ્ઞાનથી અન્ય’ કહ્યું ત્યાં ‘જ્ઞાન’ શબ્દે આત્મા સમજવો.
ભાઈ! શુભ ને અશુભ ભાવ બધા ભગવાન આત્માથી અન્ય છે, જુદા છે. તેમાં ‘આ હું છું’ એમ અનુભવવું તે અજ્ઞાનચેતના છે. અજ્ઞાનચેતના એટલે શું? કે અજ્ઞાનને ચેતનારી -અજ્ઞાનમાં જાગ્રત થયેલી ચેતના, અર્થાત્ સ્વરૂપને ચેતવા પ્રતિ આંધળી એવી ચેતના. અરે ભાઈ! ચાહે તું હજારો રાણીઓ છોડીને વનવાસી નગ્ન દિગંબર સાધુ થયો હો, પણ એ વ્રતાદિના રાગને ‘આ હું છું, આ મને ઠીક છે, ભલા છે’ એમ જો તું અનુભવે છે તો બાપુ એ અજ્ઞાનચેતના છે, મિથ્યાદર્શન છે. સમજાણું કાંઈ....? બહુ થોડા શબ્દોમાં ખૂબ ગંભીર વાત કરી છે!
આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેને ‘હું છું’ એમ નહિ અનુભવતાં એનાથી અન્ય વિરુદ્ધ જે શુભાશુભ ભાવ તેમાં ‘આ હું છું’ એમ અનુભવવું તે અજ્ઞાનચેતના છે અને તે બે પ્રકારે છે- કર્મચેતના અને કર્મફળચેતના. હવે કહે છે- ‘તેમાં, જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે “આને હું કરું છું,” તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે “આને હું ભોગવું છું,” તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાન ચેતના છે.)
જુઓ, શું કહ્યું? ભગવાન આત્મા સિવાય અન્ય જે પુણ્ય-પાપના વિકારી ભાવ તેને હું કરું છું એમ જે માને-અનુભવે છે તે કર્મચેતના છે. અહીં કર્મ શબ્દે જડ પુદ્ગલકર્મની વાત નથી. અહીં તો ભાવકર્મ જે શુભાશુભ ભાવ તે મારું કાર્ય નામ કર્મ છે, હું એને કરું છું -એમ જે માને છે તે કર્મચેતના છે એમ વાત છે. કર્મચેતના કહો કે કાર્યચેતના કહો -એક વાત છે. રાગરૂપી કાર્યમાં ચેતાઈ ગયો છે ને? પરના કાર્યની અહીં વાત નથી, કેમકે પરનાં કાર્ય તે કરી શકતો નથી; પરને તો તે સ્પર્શ સુદ્ધાં કરી શકતો નથી.
વળી જ્ઞાનથી-આત્માથી અન્ય જે શુભાશુભ ભાવ-વિકારી ભાવ તેને હું ભોગવું છું એમ માને-અનુભવે તે કર્મફળચેતના છે. વિકારમાં હરખ-શોકનું વેદન કરે તે કર્મફળચેતના છે. એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે. હવે કહે છે -