૧૧૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
‘તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે).’
જુઓ, સમસ્ત અજ્ઞાનચેતના અર્થાત્ શુભાશુભ ભાવને કરવારૂપ ને ભોગવવારૂપ પરિણામ, કહે છે, સંસારનું બીજ છે, દુઃખનું બીજ છે. ભાઈ! તું દયા, દાન, વ્રતાદિના શુભભાવને કર્તવ્ય માને છે, ભલા માને છે, પણ આચાર્યદેવ અહીં તેને સંસારદુઃખનું બીજ કહે છે. સમસ્ત કર્મચેતના ને કર્મફળચેતના સંસારનું બીજ છે, ચોરાસીના અવતારમાં રખડવાનું બીજ છે, કેમ? કેમકે સંસારનું કારણ જે આઠ પ્રકારનું કર્મ, તેનું અજ્ઞાનચેતના બીજ છે; અર્થાત્ એનાથી-શુભાશુભભાવ કરવાના ને ભોગવવાના ભાવથી-કર્મ બંધાય છે. લ્યો, હવે સમજાણું કાંઈ....?
હવે કહે છે- ‘માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.’
અહાહા......! પોતે સ્વરૂપથી શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે. અહા! તેમાં સ્વપણું એકાગ્ર ન થતાં રાગમાં એકાગ્ર થઈને રાગથી પોતાને લાભ માને, રાગને પોતાનું કર્તવ્ય માને તે અજ્ઞાનચેતના છે અને તે અજ્ઞાનચેતના આને સંસારમાં રખડવાનું બીજ છે; કેમકે સંસારનું બીજ જે આઠ પ્રકારનું કર્મ તેનું અજ્ઞાનચેતના બીજ છે. અરે! અનંતકાળમાં અનંતા જન્મ-મરણ કરીને એના સોથા નીકળી ગયાં છે. પણ અરે! રાગથી ભિન્ન અંદર હું ચિદાનંદસ્વરૂપ ભગવાન છું એમ કદીય એણે સ્વીકાર્યું નહિ, રાગની આડમાં પોતાના સ્વસ્વરૂપનો એણે કદીય સત્કાર કર્યો નહિ.
તો ધર્માત્માને-સમ્યગ્દ્રષ્ટિને પણ રાગ તો આવે છે? હા, સમ્યગ્દ્રષ્ટિને-જ્ઞાની જીવને પોતાના શુદ્ધ નિર્મળાનંદ પ્રભુ આત્માનો અનુભવ થયો હોવા છતાં સ્વરૂપસ્થિરતા સંપૂર્ણ થઈ નથી એટલે રાગ આવે છે, પણ એ રાગ તેનું કર્તાપણે કર્તવ્ય નથી, એની તેને હોંશ નથી. રાગ તેને ઝેર જેવો જ ભાસે છે. એ અસ્થિરતાનો રાગ પણ દુઃખરૂપ જ છે, બંધનું જ કારણ છે એમ તે માને છે.
અહા! રાગથી ભિન્ન પડી, ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા ‘હું તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છું’ -એમ અંતરમાં પ્રતીતિ અને અનુભવ કરવો એનું નામ જ્ઞાનચેતના છે અને તે ધર્મ છે. આત્મા શુદ્ધ એક ચૈતન્યસત્તાપણે અંદર નિત્ય વિરાજમાન છે. અહા! આવા પોતાના નિજસ્વરૂપમાં સન્મુખતા કરી તેનો અનુભવ કરવો તે ભગવતી જ્ઞાનચેતના છે અને તે જ ભવના છેદનો ઉપાય છે, મુક્તિનો ઉપાય છે. અહો! દિગંબર