સંતોએ પોકારીને પરમ સત્યને પ્રસિદ્ધ કર્યું છે. રાગમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે અજ્ઞાન ચેતના છે અને તે ભવબીજ છે, એનાથી સંસાર ફળશે અને ફાલશે; અને નિજ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે જ્ઞાનચેતના છે અને તે મોક્ષબીજ છે, એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટશે! આવી સ્પષ્ટ વાત છે ભાઈ!
પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગનો પોતાને કર્તા માને તે કર્મચેતના સંસારનું બીજ છે, અને રાગનો પોતાને ભોક્તા માને એ કર્મફળચેતનાય સંસારનું બીજ છે. અનાદિકાળથી એને આ વાત બેસતી નથી. ભાઈ! ધર્માત્મા પુરુષને જે શુભ-અશુભ ભાવ (મુખ્યપણે શુભભાવ) આવે છે તેનો તે કર્તા-ભોક્તા નથી, એ તો તેનો જ્ઞાતા- દ્રષ્ટા જ છે. એ તો સ્વરૂપમાં રહીને આ રાગ પૃથક્ ચીજ છે એમ એનો જાણનારો જ છે.
હવે આવી વાત છે છતાં કોઈ વળી કહે છે-શુભાશુભ ભાવ કરવાલાયક નથી, તેમ છોડવાલાયક પણ નથી. (આમ માનવા પ્રતિ એનો આ તર્ક છે કે શુભાશુભ ભાવ કરવા તે સંસાર બીજ છે. તથાપિ તે સમ્યગ્દ્રષ્ટિને હોય છે.)
અરે ભાઈ! સર્વ શુભાશુભ ભાવ છોડવાલાયક જ છે. કળશટીકા, કળશ ૧૦૮ માં આનો ખુલાસો આ પ્રમાણે છે-“ અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.” ભાઈ! જેમ વિષય-કષાયના પરિણામ છોડવાલાયક છે તેમ શુભાચરણરૂપ ચારિત્ર પણ સમ્યગ્દ્રષ્ટિ છોડવા યોગ્ય હેય જ માને છે, સમ્યગ્દ્રષ્ટિને તેનો કિંચિત્ આદર હોતો નથી. સ્વરૂપનું શ્રદ્ધાન ઉદય થતાની સાથે જ તેણે સમસ્ત રાગને હેય જ માન્યો છે. રાગ આવે છે એ તો એની કમજોરી છે, રાગની એને ભાવના નથી.
દાનમાં દસ-વીસ લાખ આપે તો તેમાં કદાચ રાગની મંદતા હોય તો તે શુભરાગ છે, પુણ્ય છે; પણ દ્રષ્ટિમાં તો જ્ઞાનીને તેનો નિષેધ જ છે. અહો! સર્વજ્ઞ પરમાત્માએ કહેલો માર્ગ સંતોએ ખુલ્લો કરી જાહેર કર્યો છે. તું એકવાર સાંભળ તો ખરો પ્રભુ! શુભાશુભ ભાવથી રહિત અંદર શાંત શાંત જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્ય સરોવર છે. તેમાં નિમગ્ન થઈ તેનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે ભગવતી જ્ઞાનચેતના છે અને તે મોક્ષ-ઉપાય છે. આ સિવાય શુભાશુભનું આચરણ અને તેનો અનુભવ એ તો અજ્ઞાનચેતના છે, સંસારનું બીજ છે. અરે! જેમને પ્રચુર આનંદનું વેદન છે એવા આત્મજ્ઞાની સંત મુનિવરને જે મહાવ્રતનો વિકલ્પ આવે છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે-જ્યાં એમ વાત છે ત્યાં આ એકલી અજ્ઞાનચેતનાની શું વાત! એ તો અનંત અનંત જન્મ-મરણનું બીજ છે ભાઈ!