૧૧૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
રાગનો વિકલ્પ આવે, પણ હું એનાથી ભિન્ન છું-એમ નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. ભેદજ્ઞાનનો ઉગ્ર અભ્યાસ કરી, અંદર સ્વરૂપ-સન્મુખતા કરવાથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. પણ એમ નહિ કરતાં રાગથી અભેદ કરી તેનો કર્તા-ભોક્તા થઈ પ્રવર્તે એ મિથ્યાભાવ છે, અને તે અનંત સંસારનું બીજ છે. અહા! આવી વાત એક દિગંબર સિવાય બીજે કયાંય છે જ નહિ. ભાઈ! તને રુચે કે ન રુચે, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે જાહેર કરેલો સત્યાર્થ માર્ગ આ છે. આ ભગવાનનો સંદેશ છે.
અહા! ભગવાન! તારી પ્રભુતાનો પાર નથી. ઓહોહોહો.....! અંદર જ્ઞાનાનંદથી ભરેલો પૂરણ પ્રભુતાથી ભરેલો પ્રભુ છો ને નાથ! તારામાં પ્રભુતા શક્તિ નામ સ્વભાવ ભર્યો પડયો છે. અહા! પરમેશ્વર થવાની અંદર શક્તિ પડી છે ને પ્રભુ! તું પામરપણે રહે એવો તારો સ્વભાવ જ નથી. અહાહા....! અંદર એકલો શુદ્ધ ચૈતન્યઘન, જ્ઞાનાનંદલક્ષ્મીથી ભરેલો ભગવાન પ્રભુ તું છો. આ પુણ્ય-પાપના ભાવ એ તો બહારની ચીજો-બધો પુદ્ગલનો વિસ્તાર છે, એ તારો ચૈતન્યનો વિસ્તાર નહિ. અહા! અંદર સ્વસ્વરૂપના આશ્રયે પ્રગટ થનારી જ્ઞાન-દર્શન-આનંદની દશા એ ચૈતન્યનો વિસ્તાર છે, એ જ્ઞાનચેતના છે, એ મુક્તિનો ઉપાય છે. માટે હે ભવ્ય! સકળ કર્મના અને સકળ કર્મફળની ભાવનાનો ત્યાગ કરીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવ.
અહા! જેને સિદ્ધપદની અંતરમાં ભાવના થઈ છે એવા મોક્ષાર્થીને આચાર્ય કહે છે- હે મોક્ષાર્થી પુરુષ! સકળ કર્મના સંન્યાસની ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવી, તારે સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી. નચાવવી એટલે શું? કે જ્ઞાનચેતનારૂપ થઈને જ સતત પરિણમ્યા કરવું. અહાહા....! ભગવાન આત્માનું સ્વસંવેદન કરી જ્ઞાન અને આનંદના વેદનમાં ઠરવું-રહેવું તે સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતના છે અને તે સહજ જ રાગના ત્યાગરૂપ છે. તે જ્ઞાનચેતના જ મોક્ષનું કારણ છે; માટે જ્ઞાનચેતનારૂપ જ નિરંતર પરિણમવું.
અહાહા.....! કહે છે- ‘ભગવતી જ્ઞાનચેતનાંને જ એકને સદાય નચાવવી.’ ભાષા તો ટૂંકી ને સાદી છે પ્રભુ! પણ ભાવ ગંભીર છે. સમજાય એટલું સમજવું બાપુ! અહીં તો પંચમ આરાના મુનિવર પંચમ આરાના પ્રાણીઓને સાર સાર વાત કહે છે. શું? કે ભાઈ! શુભાશુભ ભાવ કરવા-ભોગવવા-એવા અભિપ્રાયનો ત્યાગ કરીને પોતાની સહજ શુદ્ધ એક ચૈતન્યમાત્રવસ્તુમાં એકાગ્ર થઈને, તેમાં જ રમણતા કરવી તે જ્ઞાનચેતના -તે ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી; કેમકે તે એક જ મોક્ષનો ઉપાય છે. ભગવતી જ્ઞાનચેતના કહો કે ભગવતી પ્રજ્ઞા કહો-એક જ વાત છે. એ તો આવી ગયું પહેલાં કે રાગ અને જ્ઞાન વચ્ચે સાંધ છે ત્યાં ભગવતી પ્રજ્ઞા છીણી