‘જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો.’
પૂર્વે શુભ ભાવ કર્યા હોય તે મારું કાર્ય નથી, તે દુષ્કૃત છે. તે દુષ્કૃત મિથ્યા હો. એટલે શું? કે કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે હેયબુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડયું; તે જ તેનું મિથ્યા કરવું છે.
આ પ્રમાણે સર્વ ૪૯ ભંગ લગાવવા અને સમજવા.
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-
‘यद् अहं मोहात् अकार्षम्’ જે મેં મોહથી અર્થાત્ અજ્ઞાનથી (ભૂતકાળમાં) કર્મ કર્યાં, ‘तत् समस्तम् अपि कर्म प्रतिक्रम्य’ તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને ‘निष्कर्माणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते’ હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તું છું. (એમ જ્ઞાની અનુભવ કરે છે).
જુઓ, આ ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર સમ્યગ્દર્શન વિના કદી હોતું નથી. સમકિતીને પણ જ્યાં સુધી પુણ્ય-પાપનું પરિણમન છે ત્યાં સુધી ચારિત્ર નથી. સમ્યગ્દર્શન થતાં જ રાગના કર્તા-ભોક્તાપણાની બુદ્ધિ તો છૂટી ગઈ છે, પણ અસ્થિરતા હજુ છે. અહીં કહે છે -એ અસ્થિરતાના રાગને હું છોડી દઉં છું અને હું નિજાનંદસ્વરૂપમાં પોતાથી જ લીન થાઉં છું. આનું નામ તે પ્રતિક્રમણ છે.
પૂર્વે અજ્ઞાનવશ પરમાં રોકાઈને જે શુભાશુભ ભાવ કર્યા તે સર્વને પ્રતિક્રમીને હું નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું. ભાઈ! શુભભાવ છે તે પણ દોષ છે, દુષ્કૃત છે. તેથી જ્ઞાની તેનું પ્રતિક્રમણ કરે છે. આ બધા ઉપાશ્રયમાં બેસીને પ્રતિક્રમણ કરતા હતા ને? એ પ્રતિક્રમણ નહિ બાપા! એ તો રાગની ક્રિયા ભગવાન! જુઓ, હિંસાદિના અશુભ ભાવનો ત્યાગ કરીને દયા આદિના શુભભાવમાં ધર્માત્મા વર્તે તે વ્યવહાર પ્રતિક્રમણ છે. પણ તે વ્યવહાર પ્રતિક્રમણ દોષ છે, દુષ્કૃત છે. અહીં કહે છે -તે સર્વ દોષને છોડીને હું ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાથી જ વર્તું છું. ભૂતકાળમાં કરેલાં સર્વ કર્મોનું આ પ્રમાણે પ્રતિક્રમણ કરું છું. ભાઈ! વિકારના સર્વ ભાવોથી હઠી સ્વસ્વરૂપમાં-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થવું તે સત્યાર્થ પ્રતિક્રમણ છે.
અહા! શુભાશુભ ભાવ જીવની એક સમયની અવસ્થામાં થતા જીવના પરિણામ