૧૧૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે. પરંતુ ચૈતન્યના સ્વભાવનો તેમાં અભાવ છે. તેથી તેઓ વિભાવ પરિણામ છે. તેઓ સ્વરૂપમાં તદ્રૂપ નથી. તેથી તે સર્વ વિભાવને છોડીને, કહે છે, નિષ્કર્મ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં વર્તું છું; અર્થાત્ રાગરહિત નિષ્કર્મ નિર્વિકલ્પ દશાને હું પ્રાપ્ત થાઉં છું. જુઓ, આ નિર્મળ ચારિત્રની દશા છે. આત્માના ભાન સહિત તેમાં જ વિશેષ લીનતા-રમણતા કરતાં જે શુદ્ધિની વૃદ્ધિ થાય તે ચારિત્ર છે અને તે ધર્મ છે.
જુઓ, દરેક પદાર્થ પોતાના પર્યાયરૂપ કાર્યને કરે છે, પણ બીજાના પરિણામનો તે કર્તા નથી. આ ભાષા બોલાય છે ને? તે શબ્દવર્ગણાનું કાર્ય છે. શબ્દવર્ગણાના પરમાણુઓ ભાષારૂપે ઉત્પન્ન થઈ રહ્યા છે, આત્મા તેનો કર્તા નથી. લોકોને આવો ભેદ-અભ્યાસ નહિ એટલે આ વાત ગળે ઊતરવી કઠણ લાગે છે, પણ ભાઈ! આ તો પરમાર્થ સત્ય છે, અને એકલું અમૃત છે. અરે બાપુ! એક પરમાણુની અવસ્થાને બીજો પરમાણુ ન કરી શકે, તો તેના કાર્યને આત્મા કરે એ કેમ બની શકે? કદીય ન બની શકે.
અહા! આવો ભેદાભ્યાસ જેને વર્તે છે તે ધર્માત્મા પુરુષ કહે છે -હું તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ આત્મા છું; અને આ જે દયા, દાન, વ્રત આદિ વિકલ્પ ઉઠે છે તે અનાત્મા છે. તેઓ મારા સ્વરૂપભૂત નથી, અને તેઓ મને પોસાતા નથી, કેમકે તેઓ દુઃખરૂપ છે, દુઃખકારી છે. માટે હું તે સમસ્ત કર્મનો ત્યાગ કરીને નિજ આત્મસ્વરૂપમાં આત્માથી જ નિરંતર વર્તું છું. અહાહા....! ‘આત્માથી જ વર્તું છું’ એટલે શું? કે પરથી કે રાગથી આત્મસ્વરૂપમાં લીન થાય છે એમ નહિ, પણ પોતે સ્વરૂપસન્મુખ થયેલા પોતાના ઉપયોગથી જ સ્વરૂપમાં વર્તે છે. અલિંગગ્રહણ (ગાથા ૧૭૨, પ્રવચનસાર) ના છઠ્ઠા બોલમાં આવે છે કે -“લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” જોયું? આત્મા સ્વભાવ વડે જ જેનું ગ્રહણ -અનુભવન થાય તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા.....! અહીં કહે છે-હું મારા સ્વભાવના પુરુષાર્થથી જ અંદર આત્મામાં સ્થિર વર્તું છું. લ્યો, આ ચારિત્રદશા, મુનિદશા! અહાહા....! આ પ્રમાણે મુનિરાજ પોતાના અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના અનુભવમાં સ્થિર રહે છે, અને રાગનો અનુભવ છોડી દે છે. આને ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. સમજાણું કાંઈ...
‘ભૂતકાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન (વિધિ) છે.’