કેવળી આગળ રહી ગયો કોરો-એવી જ એની દશા છે; કેમકે ત્યાં જઈને પણ તેણે રાગની ક્રિયાને ધર્મ માની મિથ્યાત્વનું જ સેવન કર્યે રાખ્યું છે. વાસ્તવમાં રાગથી ભિન્ન પડીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રમે, ઠરે તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, અને તે આલોચના છે. આવી વાત છે.
અત્યારે તો કોઈ પાંચ-દસ કરોડનો આસામી હોય અને પાંચ-દસ લાખનું દાન આપે એટલે લોકો તેને ‘ધર્મ ધુરંધર’ નું બિરૂદ આપે, એને ‘દાનવીર’ કહે. અરે ભાઈ! દાન આપવાની ક્રિયા વખતે કદાચિત્ જો તેને રાગની મંદતા કરી હોય તો તે શુભ ભાવથી તેને પુણ્ય બંધાય બસ એટલું. બાકી એ શુભભાવ છે એ તો વિકાર છે, ઝેર છે એમ જાણી ધર્મી જીવ તો તે રાગથી પાછો હઠી જાય છે, અર્થાત્ નિવૃત્ત થઈ પોતાના ચૈતન્યસ્વરૂપમાં પોતાથી જ લીન થઈ જાય છે. ‘પોતાથી જ’ એટલે શું? કે જે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે એનાથી નહિ, પણ એનાથી ભિન્ન પડી અંતરસન્મુખ ઉપયોગ વડે લીન થાય છે એમ વાત છે. મારગ તો આ એક જ છે ભાઈ! શ્રીમદે કહ્યું છે ને કે-
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
અરે ભાઈ! તારું જ્ઞાયકતત્ત્વ અંદર જુદું છે, ને પુણ્ય-પાપના ભાવ અર્થાત્ આસ્રવ તત્ત્વ ભિન્ન છે. એ આસ્રવ તત્ત્વ કાંઈ ધર્મ તત્ત્વ અથવા સંવર-નિર્જરા તત્ત્વ નથી. અહા! તે આસ્રવ તત્ત્વ ભગવાન જ્ઞાયક સાથે એકમેક નથી, તદ્રૂપ નથી. અહા! આમ જાણી પ્રચુર આનંદના સ્વામી ચારિત્રવંત ભાવલિંગી મુનિવર એમ અનુભવે છે કે-“હું તો ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તું છું, રાગ થાય એ તો બધો મોહનો વિલાસ છે, મારે એનાથી કાંઈ (સંબંધ) નથી.” લ્યો, આ આલોચના છે.
‘વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે- પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તું છું. આવું અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે.’
દયા, દાન આદિ જે પરિણામ થાય, તે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું કાર્ય છે-એમ ધર્મી માને છે. રાગનું જરી પરિણમન છે પણ તે પોતાનું કાર્ય નથી એમ ધર્મી વિચારે છે. આ દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો રાગનું