પણ ભાઈ! એ તો બધી દુઃખભરી જ દોટ છે. અરે! આ કાળમાં વિષયોની બહુલતા છે, અધિકતા છે. પરમાત્મ પ્રકાશમાં (ગાથા ૧૩૯માં) આવે છે કે- આ પંચમકાળમાં દેવોનું આવાગમન થતું નથી, કોઈ અતિશય જોવામાં આવતો નથી, કેવળજ્ઞાન થતું નથી અને હલધર, ચક્રધર આદિનો અભાવ છે. આવા દૂષમકાળમાં કોઈ ભવ્ય જીવો વિષયોથી હઠી, રાગથી હઠી યતિ, શ્રાવકના ધર્મને ધારણ કરે છે તે આશ્ચર્ય છે, અર્થાત્ તેવા પુરુષોને ધન્ય છે, અહા! દુર્લભ છતાં મારગ તો સ્વસ્વરૂપના અનુભવરૂપ આ જ છે ભાઈ!
આ રીતે આલોચના-કલ્પ સમાપ્ત થયો. હવે ટીકામાં પ્રત્યાખ્યાન-કલ્પ અર્થાત્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છેઃ- (પ્રત્યાખ્યાન કરનાર કહે છે કેઃ-) ‘હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧.’
જુઓ, ધર્માત્મા કહે છે કે હું ભવિષ્યમાં શુભભાવ કરીશ નહિ. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાનદર્શનસ્વરૂપ પ્રભુ આત્મા છું, તેમાં લીન થઈ હું આ જ્ઞાનદર્શનની પરિણતિસ્વરૂપ વર્તું છું. લ્યો, આ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે. ભાઈ! આ તો વાતે વાતે ફેર છે બાપા! આવે છે ને કે-
એક લાખે ના મળે, એક ત્રાંબિયાના તેર.
એમ વીતરાગ કહે છે -તારે ને મારે વાતે વાતે ફેર છે. અહા! તું ક્યાંય શુભાશુભ રાગમાં ગુંચાઈ પડયો છો ને મારગ ક્યાંય બાજુ પર રહી ગયો છે. ભાઈ! અહીં તારા હિતની આ વાત છે તે જરા ધ્યાન દઈ સાંભળ.
અહા! ધર્મી જીવ કહે છે-હું ભવિષ્યમાં શુભાશુભ કર્મ કરીશ નહિ, કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી ને કાયાથી. આમ નવકોટિની વાત આ પહેલા બોલમાં લીધી છે.
પ્રશ્નઃ– કોઈ બ્રહ્મચર્ય અંગીકાર કરે તેની અનુમોદના કરીએ તે શું છે? ઉત્તરઃ– એ શુભભાવ છે. પાપથી બચવા પુરતો તે ભાવ આવે, પણ તે કાંઈ ધર્મ નથી. અહીં તો ભાઈ! પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે શુદ્ધોપયોગ સિવાયનો કોઈ (શુભ કે અશુભ) પરિણામ ધર્મ નથી. જુઓ, બેંગલોરમાં બે ભાઈઓએ મળીને રૂપિયા બાર લાખના ખર્ચે જિનમંદિરનું નિર્માણ કર્યું છે. તેમને પણ કહ્યું હતું કે આ શુભભાવ છે,