મારી છે એમ તે માનતો નથી. અહીં એથી વિશેષ વાત છે કે ભવિષ્યમાં હું સમસ્ત કર્મ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ-મનથી, વચનથી ને કાયાથી -એમ ધર્માત્મા સર્વ કર્મથી છૂટો પડી સ્વસન્મુખતા દ્વારા શુદ્ધોપયોગરૂપ પરિણમનમાં સ્થિર થાય છે, સ્વસ્વરૂપમાં જ ઉપયોગને રમાવે છે. આનું નામ પચખાણ છે, ચારિત્ર છે, સ્વસ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ ચારિત્ર છે.
અરે! અનાદિથી એ અવળે રસ્તે ચઢી ગયો છે. તે પંચમહાવ્રતના ને શરીરની નગ્નદશાના પરિણામને ચારિત્ર માની શુભ રાગના સેવનમાં-આચરણમાં ચઢી ગયો છે. પરંતુ ભાઈ! જેમ અશુભ રાગ અશુચિ છે તેમ શુભરાગ પણ અશુચિ જ છે, જેમ અશુભ ભાવ દુઃખરૂપ છે તેમ શુભભાવ પણ આકુળતારૂપ જ છે. એક શુદ્ધોપયોગરૂપ પરિણામ જ પવિત્ર અને નિરાકુળ છે. અહાહા...! આત્મા અંદર અતીન્દ્રિય આનંદનો સાગર પવિત્રતાનો પિંડ પ્રભુ છે. ઉપયોગને ત્યાં જ સ્થિર કરી તેમાં જ રમવું-ચરવું તેનું નામ પચખાણ અને ચારિત્ર છે.
જેને રાગની રુચિ છે તેને તો સમ્યગ્દર્શન જ નથી, પછી પચખાણ તો ક્યાંથી હોય? ન હોય. અહીં તો રાગથી ખસીને સ્વરૂપની રમણતામાં જોડાયેલ છે એવો જ્ઞાની પુરુષ કહે છે-ભવિષ્યના સમસ્ત શુભાશુભ કર્મને ત્યાગીને જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપમાં પોતાથી જ નિરંતર વર્તું છું. અહા! ભગવાન આત્મા સ્વરૂપથી જ નિષ્કર્મ-નિરાગ-નિર્દોષ સ્વરૂપ છે. અહીં કહે છે-એવા આત્મામાં આત્માથી જ- પોતાથી જ હું લીન રહી નિરંતર વર્તું છું. એટલે શું? કે આવી નિર્મળ શુદ્ધોપયોગરૂપ દશા વર્તે તેમાં વ્યવહારની -દયા, દાન, વ્રત આદિની કોઈ અપેક્ષા છે એમ નથી.
તો શું દયા, દાન, વ્રતાદિના પરિણામ કાંઈ જ ઉપયોગી નથી? ઉત્તરઃ– ના, કાંઈ જ ઉપયોગી નથી; શુદ્ધોપયોગરૂપ નિર્મળ પરિણતિ થવામાં તેઓ કાંઈ ઉપયોગી નથી, બલ્કે તેમ થવામાં તેમનો અભાવ જ થવો ઈષ્ટ છે. ધર્માત્માને વ્રતાદિના પરિણામ હોતા નથી એમ વાત નથી; પણ તેનો (વ્રતાદિના રાગનો) અભાવ કરીને જ તે ઉપર ઉપરની ભૂમિકાએ ચઢે છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?
એ તો આવી ગયું (ગાથા ૧૭-૧૮માં) કે અજ્ઞાનીને (આબાળ-ગોપાળ સૌને) તેની જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જણાય છે તોપણ તેની દ્રષ્ટિ-રુચિ જ ત્યાં હોતી નથી, તેની દ્રષ્ટિ-રુચિ દયા, દાન, વ્રત આદિના રાગમાં પડેલી હોય છે અને તેથી રાગને જ નિજ સ્વરૂપ માની અજ્ઞાની થયો થકો રાગના આચરણમાં સંતુષ્ટ રહે છે, પણ જ્ઞાનીને તે રાગની કાંઈ જ કિંમત નથી.
અરે, જુઓ તો ખરા! આઠ આઠ વરસની બાળાઓ કાંઈ પણ તત્ત્વને સમજ્યા