વિકાર થાય છે, કર્મ તેમાં નિમિત્તમાત્ર છે બસ. ક્ષાયિક સમકિતીને આ પ્રકૃતિ હોતી નથી. જેને તે પ્રકૃતિનો ઉદય છે તે જ્ઞાની તેના ફળને ભોગવતો નથી. સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિના ઉદયે જરી દોષ તો લાગે છે, પણ અહીં કહે છે- તેને ભોગવતો નથી, હું તો સ્વરૂપને જ સંચેતું છું. - ૧૭.
‘હું મિથ્યાત્વ મોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
સમકિત થયું છે, પણ મિથ્યાત્વ કર્મ સત્તામાં પડયું છે. તેના ઉદયના ફળ પ્રતિ મારું લક્ષ નથી; મારું લક્ષ તો ભગવાન ચિદાનંદ આનંદના નાથ તરફ જ છે એમ કહે છે. મારા ધ્યાનનાં ધ્યેયમાં આત્મા જ છે- એમ વાત છે. - ૧૮.
‘હું સમ્યક્ત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
આ પ્રકૃતિને મિશ્ર મોહનીય પ્રકૃતિ કહે છે. તેનો ઉદય ત્રીજા ગુણસ્થાને હોય છે. આ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો જ્ઞાની કહે છે- મને તેનું ફળ નથી, અર્થાત્ હું તેને ભોગવતો નથી, તેને ભોગવવા પ્રતિ મારું લક્ષ નથી, હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું. હવે આવી વાત કદી સાંભળવા મળી ન હોય એટલે એને ઉડાવી દે અને કહે કે - વ્રત, તપ આદિ કરવાનું તો કહેતા નથી. પણ અરે ભાઈ! વ્રત કોને કહીએ? તપ કોને કહીએ? પોતે અતીન્દ્રિય આનંદકંદ ભગવાન છે તેમાં વિંટળાઈ રહેવું તેનું નામ વ્રત છે, અને ઈચ્છાનો નિરોધ થાય તેનું નામ તપ છે. અહાહા...! સ્વરૂપમાં લીનપણે રહેવું તે વ્રત અને તપ છે. આ સિવાય બીજું (વ્રત, તપ) કાંઈ નથી, સમજાણું કાંઈ....? - ૧૯.
‘હું અનંતાનુંબંધીક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
જુઓ, અહીં ‘અનંતાનુંબંધીક્રોધકષાયવેદનીયમોહનીયકર્મ’ એવો શબ્દ પડયો છે. મતલબ કે અનંતસંસારનું કારણ એવો જે ક્રોધ એનું જે વેદન તેને અનંતાનુંબંધીક્રોધકષાયવેદનીયમોહનીયકર્મ કહ્યું છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીનો ક્રોધ હોય છે તે અનંત સંસારનું કારણ છે. સમકિતીને તેનો ઉદય હોતો નથી. સત્તામાં કોઈ કર્મ પડયું હોય, ક્ષય થયો ન હોય તો, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપને જ સંચેતું છું. આવી વાત છે. - ૨૦.
‘હું અપ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’