જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય તેને ઉચ્ચ ગોત્રકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી, ઉચ્ચગોત્રકર્મના ઉદયથી રાજા થાય, મોટો શેઠ થાય તેને ધર્મી પુરુષ ભોગવતો નથી.
‘હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૩.
જે કર્મના ઉદયથી ચંડાલ આદિ નીચકુળમાં જન્મ થાય તેને નીચગોત્રકર્મ કહે છે. તેના ફળને જ્ઞાની ભોગવતો નથી.
હવે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓ કહે છેઃ- ‘હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૪.
‘હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪પ.
‘હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૬.
‘હું ઉપભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૭.
‘હું વીર્યાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૮.
અહા! જે કર્મ દાનાદિકમાં વિઘ્ન-અંતરાય કરે છે તે અંતરાય કર્મ છે, અને તેને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. પ્રકૃતિના ફળ પ્રતિ મને લક્ષ નથી, હું તો નિત્યાનંદસ્વરૂપ એક આત્માને જ સંચેતું છું.
આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે. જેમ સકળ પુણ્ય-પાપના ભાવના સંન્યાસની અર્થાત્ કર્મચેતનાના ત્યાગની ભાવના કરી તેમ સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરી.
‘અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન તો થયું જ કે-“હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું.” પરંતુ પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું .’