૧પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
એક બાજુ એમ કહે કે- મુનિને, ગણધર ભગવાનને પણ રાગનું પરિણમન હોય છે ને વળી બીજી બાજુ એમ કહે કે-સમ્યગ્દ્રષ્ટિ રાગનો કર્તા નથી; આ કેવી રીતે છે?
સમાધાનઃ– સમ્યગ્દ્રષ્ટિ, મુનિ, ગણધર કે છદ્મસ્થદશાસ્થિત તીર્થંકરને પણ ભૂમિકા અનુસાર વ્રતાદિના વિકલ્પ થતા હોય છે. જેટલું ત્યાં રાગનું પરિણમન છે તેટલા અંશે તે કર્તા છે. આ વાત પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે. સાધકને જેટલા અંશે રાગનું પરિણમન છે તેટલા અંશે તે તે પરિણમનનો કર્તા છે, ભોક્તા પણ છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, ધર્માત્માને રાગની રુચિ નથી, રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ નથી, રાગમાં સ્વામિત્વ નથી તેથી તે અકર્તા છે. રાગ કરવાલાયક છે, ભોગવવાલાયક છે એવી માન્યતા જ્ઞાનીને ચોથે ગુણસ્થાનેથી જ હોતી નથી તેથી તે અકર્તા છે, અભોક્તા છે. આવી વાત છે. જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ.
જુઓ, પરવસ્તુ-દાળ, ભાત, લાડુ, શાક, સ્ત્રીનું શરીર ઈત્યાદિને આત્મા ભોગવી શકતો નથી; અજ્ઞાની પણ તેને ભોગવતો નથી. તેના લક્ષે જે રાગાદિ ઉપજે છે તેને અજ્ઞાની ભોગવે છે અને માને છે કે હું પરને ભોગવું છું; આ અજ્ઞાની જીવનો મિથ્યા ભ્રમ છે. અહીં એમ કહે છે કે રાગ અને દ્વેષના ભાવ હોવા છતાં જ્ઞાની તેને ભોગવતો નથી, તે તો માત્ર તેનો જાણનાર-દેખનાર જ રહે છે; કર્તા-ભોક્તા થતો નથી.
‘અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાન શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઊપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચઢીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે, પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.’
જુઓ, ચોથે, પાંચમે, છટ્ઢે ગુણસ્થાને વ્યવહારનયનો વિષય-કિંચિત્ રાગ હોય છે, પરંતુ જ્ઞાનીને તેના ત્યાગની ભાવના અર્થાત્ જ્ઞાતાદ્રવ્યની ભાવના સદાય હોય છે. તે વારંવાર ત્રિકાળી ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડે છે અને એ રીતે શુદ્ધોપયોગ જામે છે, દ્રઢ થાય છે.
સમ્યગ્દર્શન થવાના કાળે પણ શુદ્ધોપયોગ તો હોય છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય છે તે શુદ્ધોપયોગના કાળે થાય છે. પછી પણ કોઈ કોઈ વાર ધ્યાતા-ધ્યાન-ધ્યેયના વિકલ્પોથી છૂટી તે શુદ્ધોપયોગમાં આવી જાય છે. ચોથે-પાંચમે ગુણસ્થાને શુદ્ધોપયોગ અલ્પકાળ રહે છે તેથી તેને ન ગણતાં સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ જામી જાય છે તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે. ચારિત્રદશાની ઊત્કૃષ્ટતા બતાવવી છે ને! તેથી ત્યાં