સાતમે ગુણસ્થાને શુદ્ધોપયોગરૂપ થાય છે એમ કહ્યું છે, કેમકે ત્યાં ઉપયોગની સ્થિરતા થઈ છે. અહા! આવો શુદ્ધોપયોગ થાય ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. અને તે વખતે એ ભાવનાનું ફળ જે સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે. પછી તે અનંતકાળ જ્ઞાનચેતનારૂપ રહ્યો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.
સમ્યગ્દ્રષ્ટિને પણ જ્ઞાનચેતના તો હોય છે; પણ સાથે પર્યાયમાં તેને કર્મચેતના અને કર્મચેતના પણ હોય છે; તેને તે જાણે-દેખે જ છે એ બીજી વાત છે. પણ તેને કિંચિત્ રાગનું વેદન અવશ્ય હોય છે. કોઈ એમ કહે કે સમ્યગ્દ્રષ્ટિને સર્વથા રાગ નથી, દુઃખ નથી તો તે એની એકાંત મિથ્યા માન્યતા છે. સમ્યગ્દર્શન થતાં, દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતામાં, તેને જે રાગ છે તેને ગૌણ કરીને નથી એમ કહીએ છીએ એ બીજી વાત છે, બાકી છઠ્ઠે, સાતમે અને દસમા પર્યંત કિંચિત્ આસ્રવ છે. ‘દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ’ માં સોગાનીજીએ શુભરાગને ભઠ્ઠી કહેલ છે. છઠ્ઠે મુનિરાજને જે વ્રતાદિના વિકલ્પ આવે છે તે તેને ભઠ્ઠી સમાન લાગે છે. સમકિતીને એકલી શુદ્ધ પરિણતિ જ હોય છે એ વાત બરાબર નથી.
સમયસારની અગિયારમી ગાથામાં સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી છે; મોક્ષમાર્ગની અને કેવળજ્ઞાનની પર્યાયને પણ ત્યાં અભૂતાર્થ કહી છે. તેનો આશય શું છે? ભાઈ! એ તો પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને તેને અભૂતાર્થ-અસત્યાર્થ કહી છે, અને ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરી, નિશ્ચય કહી ભૂતાર્થ કહેલ છે. ત્યાં તો બાપુ! ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે એમ યથાર્થ સમજવું. જ્યાં એ અપેક્ષાથી વાત હોય તેને બરાબર મેળવીને યથાર્થ સમજવું જોઈએ. એમાં જરાય ફરક પડે તો બધું જ ફરી જાય. સમજાણું કાંઈ....?
નિશ્ચયની મુખ્યતાથી કહ્યું હોય કે સમકિતીને આસ્રવ-બંધ નથી, ત્યાં એકાંત પકડી લે કે ચોથા ગુણસ્થાનવાળાને રાગ છે જ નહિ તો તેમ વસ્તુનું સ્વરૂપ નથી. દસમે ગુણસ્થાને પણ સૂક્ષ્મ રાગ હોય છે. જ્યાં (રાગ) નથી એમ કહ્યું હોય ત્યાં ગૌણ કરીને દ્રષ્ટિની પ્રધાનતામાં નથી એમ કહ્યું છે એમ યથાર્થ સમજવું. બાકી જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ને પૂર્ણ આનંદ પ્રગટયો નથી ત્યાં સુધી દુઃખનું વેદન અવશ્ય છે જ.
જુઓ, મિથ્યાદ્રષ્ટિને બિલકુલ આનંદ નથી, એકલું દુઃખ જ છે; કેવળીને બિલકુલ દુઃખ નથી, એટલું સુખ જ છે. સાધકને આનંદ અને દુઃખ બન્ને યથાસંભવ સાથે છે; અને તેથી તો તે સાધક કહેવાય છે. પર્યાયમાં તેને અંશે બાધકભાવ પડયો છે. ત્યાં જેટલી અસ્થિરતા છે તેટલો આસ્રવ-બંધ છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પૂરણ રમણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને આસ્રવ-બંધ છે, દુઃખ છે.
પ્રશ્નઃ– તો સમકિતીને આસ્રવ-બંધ નથી એમ કહ્યું છે ને?