૧૭૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે. આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવ્રજ્યા (દીક્ષા, નિશ્ચયચારિત્ર) છે-એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો).
હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ (પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂપ) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવ્રજ્યારૂપને પામીને (અર્થાત્ પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધ-જ્ઞાન એક અવસ્થિત (-નિશ્ચળ રહેલું) દેખવું (અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું).
ભાવાર્થઃ– અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાપ્તિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.
અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જોકે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો-અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો-અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.
અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો.