૨૧૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પ્રકારનું દેખવું છે. અહાહા...! આવો મારગ! અત્યારે તો જોવા મળવો મુશ્કેલ થઈ ગયો છે. અરે! લોકોએ મારગને ચૂંથી નાખ્યો છે!
અહીં કહે છે-આત્માને ત્રણ પ્રકારે દેખવો. દેખવો એટલે કે અંતર્મુખ થઈ અનુભવવો જેથી આત્મપ્રાપ્તિ થાય. અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને છોડીને અન્ય પરિગ્રહમાં સાવધાનપણે પ્રવર્તવું તે સંસારપરિભ્રમણનું કારણ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મસ્વરૂપમાં સાવધાન ન થતાં વ્રત, તપ, ભક્તિ આદિના રાગના પરિણામમાં સાવધાનપણે પ્રવર્તવું તે અન્ય પરિગ્રહ છે. આ શરીર, મન, વાણી, ધન, સંપત્તિ ઈત્યાદિ તો ક્યાંય દૂરની ચીજ થઈ ગઈ. અહીં તો એની પર્યાયમાં જે વ્રત, ભક્તિ આદિના વિકલ્પ ઉઠે તે અન્ય વસ્તુ છે, અન્ય પરિગ્રહ છે. રાગમાં સાવધાનપણે પ્રવર્તવું અને તેના આચરણમાં-પાલનમાં રોકાઈ રહેવું તે મિથ્યાભાવ છે ભાઈ! અરે! પણ એણે રાગની મમતા આડે અંદર જ્ઞાયકસ્વભાવથી ભરેલો આનંદસાગર પ્રભુ પોતે છે તેને ખોઈ દીધો છે! અહીં કહે છે- શુદ્ધનયસ્વરૂપ અંદર ત્રિકાળી ભૂતાર્થ ભગવાન જિનસ્વરૂપ વિરાજે છે તેને સ્વસંવેદનમાં જાણવો-વેદવો- અનુભવવો તે પ્રથમ નંબરનું દેખવું છે. તે ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને હોય છે.
અહાહા...! અંદર જાણનાર-દેખનાર ભિન્ન સ્વરૂપે છે તેને જાણ અને દેખ-એમ ભગવાનની આજ્ઞા છે. આ દેહ તો ક્ષણમાં ફૂ થઈ ઉડી જશે. એ તો સંયોગ છે; એ ક્યાં તારી ચીજ છે? તારી ચીજ તો અંદર ભિન્ન એક જ્ઞાયકભાવપણે ત્રિકાળ છે તેને જાણ અને દેખ. અને પછી સર્વ પરિગ્રહ છોડી એક જ્ઞાયકભાવમાં જ સ્થિર થવાનો અભ્યાસ કર; તેમાં જ ઉગ્રપણે લીન થઈ રમણતા કર. ‘નિજપદ રમે સો રામ કહીએ.’ અહાહા...! અંતરસ્થિરતાનો અભ્યાસ કરી સ્વરૂપમાં રમે તે રામ નામ આત્મા કહીએ, તે સ્વસમય છે. નાટક-સમયસાર નાટકમાં આવે છે ને કે-
અહાહા...! પ્રથમ શુદ્ધનય વડે નિજ સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને-ઉપયોગને ત્યાં જ થંભાવી દે, મઢી દે. આ બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું ઉપરની ભૂમિકામાં અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે છે. લ્યો, અંદર અભ્યાસ કરીને આ કરવા જેવું છે. બાકી અશુભ ટાળી શુભમાં તું રોકાઈ રહે એ તો કાંઈ નથી, એ તો થોથાં છે બધાં.
ભાઈ! તારા સ્વરૂપની અનંતી સમૃદ્ધિની તને ખબર નથી બાપુ! તેની મહિમાની શી વાત! એકવાર તેને જ્ઞાન-શ્રદ્ધાનમાં લે તો ન્યાલ થઈ જાય એવી ચીજ છે. અને