Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3664 of 4199

 

સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ઃ ૨૧૩

અનંત ગુણરિદ્ધિ-સમૃદ્ધિથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે. અહાહા...! ત્રણકાળ-ત્રણલોકને યુગપત્ એક સમયમાં જાણે એવું એનું સામર્થ્ય છે. આ સામર્થ્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે, કહે છે, સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે. અહાહા...! કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વરૂપ પૂર્ણ પ્રગટ થાય છે. કેવળજ્ઞાન પ્રગટતાં જ સાથે પૂર્ણ આનંદ, પૂર્ણ વીર્ય, પૂર્ણ શાન્તિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા ઈત્યાદિ શક્તિઓની પૂર્ણ વ્યક્તદશા પ્રગટ થાય છે. આનું નામ કેવળજ્ઞાન અને પૂર્ણદશા છે. તેથી કહે છે, તેના મહિમાને કોઈ આંચ આવતી નથી, તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી. પૂર્ણ વીતરાગતા થઈને કેવળજ્ઞાન થયું ત્યાં અનંતવીર્ય પણ પ્રગટ થયું. તેથી હવે તેનો મહિમા અબાધિતપણે સદા ઉદયમાન રહે છે. હવે તેને અવતાર લેવો પડે એમ કદીય છે નહિ.

ભગવાન આત્મા અંદર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ વસ્તુ પ્રભુ છે. તેનાં અંશે જ્ઞાન-શ્રદ્ધાન- આનંદ પ્રગટ થાય તે ઉપાય છે. અને પૂરણ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની દશા પ્રગટ થાય તે ઉપેય નામ ઉપાયનું ફળ છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહાર રત્નત્રય તે ઉપાય અને સિદ્ધપદ ઉપેય એમ નથી હોં, વ્યવહાર રત્નત્રયને ઉપાય કહીએ એ તો નિમિત્તનું વ્યવહારનું કથન છે; તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે; પણ ભાઈ! તે વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી, તે આદરવા લાયક નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક જ આશ્રય કરવા યોગ્ય છે, અને તેના આશ્રયે અંશે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર પ્રગટ થાય તે વાસ્તવિક ઉપાય છે અને તેની પૂર્ણતા તે ઉપેય નામ મોક્ષ છે. આ દિવ્યધ્વનિનો સાર છે. અહીં કહે છે-ઉપાય દ્વારા ઉપેય નામ પૂર્ણ કેવળજ્ઞાન દશા ને મોક્ષની દશા પ્રગટ થાય તે નિરાબાધ સદાય સાદિ-અનંતકાળ ઉદયમાન રહે છે; તેમાં કદીય કોઈ આંચ-ઉણપ આવતી નથી. મુક્ત જીવને ભક્તોની ભીડ ભાંગવાનો બોજો રહે અને તે અવતાર ધારણ કરે એ માન્યતા મિથ્યા છે, કેમકે પરમ વીતરાગ પરમેશ્વર માટે એ ત્રિકાળ સંભવિત નથી. આવી વાત છે. સમજાણું કાંઈ...?

*

હવે, ‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’ - એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-

જેમ શ્રીફળ અંદર રાતડ રહિત સફેદ મીઠો ગોળો છે, તેમ ભગવાન આત્મા અંદર પુણ્ય-પાપની રાતડ રહિત ચૈતન્યનો અમૃતમય ગોળો છે, અહા! આવા નિજસ્વરૂપનો અંતર-અનુભવ કરીને તેમાં જ લીન-સ્થિર થયો તેણે ગ્રહણ કરવા યોગ્ય સર્વ ગ્રહણ કર્યું, અને ત્યાગવા યોગ્ય જે (મહાવ્રતાદિનો) વિકલ્પ હતો તેને સહજ ત્યાગી દીધો. આ અર્થનો હવે આચાર્યદેવ કળશ કહે છેઃ-