૨૧૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું ‘आत्मनि इह’ આત્મામાં ‘यत् संधारणम्’ ધારણ કરવું ‘तत् उन्मोच्यम् अशेषतः उन्मुक्तम्’ તે જ છોડવાયોગ્ય બધું છોડયું ‘तथा’ અને ‘आदेयम् तत् अशेषतः आत्तम्’ ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.
અહાહા...! શું કહે છે? કે પહેલાં જ્ઞાનાદિ શક્તિઓ રાગમાં રોકાઈને ખંડ-ખંડપણે ખંડિત થતી હતી, તે હવે ત્યાંથી સમેટીને-સંકેલીને જ્યાં સ્વસ્વરૂપમાં ચૈતન્યસ્વરૂપમાં લીન કરી ત્યાં, કહે છે, ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું. આ સમ્યગ્દર્શન સહિત સાતમા ગુણસ્થાનની વાત છે. છઠ્ઠે હજી વિકલ્પ છે, ત્યાં જ્યાં અંતર સ્વરૂપમાં લીન-તલ્લીન થયો કે તત્કાલ જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહણ થયું અને ત્યાગવાયોગ્ય જે વિકલ્પ તેનો સહજ જ ત્યાગ થઈ ગયો. ભાઈ! પુણ્યના ભાવ પણ ત્યાગવાયોગ્ય છે, દુઃખરૂપ છે. ભાઈ! સમ્યગ્દર્શન વિના એણે અનંતવાર મુનિપણું ધારણ કર્યું ને અનંતવાર તે સ્વર્ગે ગયો. પણ તેથી શું? સ્વસ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન અને તેમાં રમણતા-લીનતા થાય એ જ મુખ્ય છે, એ જ બધું છે. બાકી પુણ્ય-પાપમાં લીન થઈ પ્રવર્તવું એ તો સ્વસ્વરૂપનો ઘાત છે, આત્મ- ઘાત છે. સમજાણું કાંઈ...? છહઢાલામાં આવે છે કે-
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.
એ મહાવ્રત, ને સમિતિ ને ગુપ્તિ-એ બધો શુભરાગ દુઃખ છે બાપા! હા, પણ એ વડે બહારમાં પ્રભાવના તો થાય ને? પ્રભાવના? શું પ્રભાવના? પ્રભાવના તો અંદર આત્મામાં હોય કે બહારમાં હોય? અંદર નિરાકુલ આનંદની વ્યક્તિ થાય તેને પ્રભાવના કહીએ. બહારમાં પ્રભાવના કોણ કરી શકે? અરે! તત્સંબંધી શુભરાગ આવે છે એય સ્વરૂપની હિંસા છે. રાગની ઉત્પત્તિ થવી તે હિંસા છે એમ પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે.
અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ છે. તેમાં જ રમણ કરવું તે ચારિત્ર-દશા છે. અહો! ધન્ય તે દશા! જેમાં ભેદનો વિકલ્પ પણ છૂટી ગયો એવી અત્યંત નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ત્યાં ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહાહા..! પોતે અંદર જિનસ્વરૂપ છે, તેમાં અંતર-એકાગ્ર થઈ લીન થતાં જિનદશા પ્રગટ થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે ભાઈ! અને તેની આ જ રીત છે બાપુ! જિનદશા કાંઈ બહારથી નથી આવતી. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે ને કે-