સ્વરૂપ છે. વિકલ્પથી વસ્તુ સિદ્ધ થાય (-પ્રાપ્ત થાય) એવી વસ્તુ આત્મા નથી, સાધારણ અનુમાન-પ્રમાણથી પણ જાણી શકાય નહિ એવી વસ્તુ ભગવાન આત્મા છે. અલિંગ ગ્રહણના બોલમાં આ વાત આવી છે કે-બીજાઓ દ્વારા અનુમાનથી જાણી શકાય નહિ, પોતે અનુમાનથી જાણી શકે નહિ-એવી અલૌકિક, અમાપ વસ્તુ આત્મા છે. અહાહા...! આવો જે ભગવાન આત્મા તેની નિર્વિકલ્પ પ્રતીતિ અને તેનું જ્ઞાન તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. અહો! તે શ્રદ્ધા-જ્ઞાનની અચિન્ત્ય શક્તિ છે. આવો આત્મા, અહીં કહે છે, પરદ્રવ્યને ગ્રહતો નથી અને છોડતોય નથી. પરદ્રવ્ય જેવું છે એવું એનું જ્ઞાન કરે એવો એનો સ્વભાવ છે, પણ તે પ્રાયોગિક ગુણના સામર્થ્યથી કે વૈસ્રસિક ગુણના સામર્થ્યથી પરદ્રવ્યને ગ્રહે-છોડે એવો એનો સ્વભાવ નથી.
આત્મામાં ઈચ્છા ઉત્પન્ન થાય તે પોતાના આશ્રયે પોતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઈચ્છા થઈ માટે પરમાણુને ગ્રહે કે છોડે એવું આત્માનું સ્વરૂપ નથી. ઈચ્છા વડે પરનું કામ આત્મા કરી શકતો નથી. અહો! દિગંબર સંતોએ કેવળજ્ઞાન ખડું કર્યું છે! ભગવાન કેવળીના પેટની ગજબ વાતો કરી છે! પ્રાયોગિક ગુણ એટલે પરના નિમિત્તથી થયેલી રાગની પર્યાય-શુભ કે અશુભ-તે પર્યાય વડે આત્મા આહારાદિ દ્રવ્યો લઈ શકે કે છોડી શકે એમ કદીય છે નહિ. ઈચ્છા વડે પૈસા લઈ શકે કે દઈ શકે, વાણી બોલી શકે કે છોડી શકે એવું એનું સ્વરૂપ નથી.
અહો! દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓએ જગતના પદાર્થોનું સ્વરૂપ જેવું છે તેવું ખુલ્લું કર્યું છે. પ્રાયોગિક ગુણ એટલે પરદ્રવ્યના નિમિત્તથી થયેલી વિકારી દશા. શબ્દ તો ‘પર નિમિત્તથી’ -એમ છે, છતા વિકાર-રાગ સ્વપર્યાયમાં પોતાના કારણે થયો છે એમ તેનો અર્થ છે. ઈચ્છા થઈ છે તે પોતાથી છે, પરથી નહિ. હવે જે ઈચ્છા થઈ તેનાથી, કહે છે, તે પરપદાર્થને ગ્રહણ કરે વા છોડી શકે એમ છે નહિ. ઈચ્છાના પરિણામમાં પરદ્રવ્યને ગ્રહવા-છોડવાની તાકાત નથી. આ શરીરને હલાવે-ચલાવે કે સ્થિર રાખે, વાણી બોલે કે મૌન રાખે કે આહારાદિ ગ્રહણ કરે કે છોડી દે ઈત્યાદિ પરદ્રવ્યનું ગ્રહણ-ત્યાગ કરે એવી ઈચ્છામાં-રાગના ભાવમાં બિલકુલ તાકાત નથી. હવે આવું એને બરાબર બેસવું જોઈએ, આ રીતે એનું હોવાપણું છે એમ અંદર જ્ઞાનમાં ભાસન થાય તે યથાર્થ જ્ઞાન છે, બાકી તો બધું થોથાં છે અર્થાત્ કાંઈ વસ્તુ નથી.
જ્ઞાન, દર્શન, આનંદ ઈત્યાદિ ગુણ તો ત્રિકાળી સ્વભાવ છે, તે તો પરને ગ્રહે કે છોડે નહિ એ તો ઠીક વાત છે, પણ પ્રાયોગિક ગુણ જે વિભાવભાવ તે વિભાવમાં પરને ગ્રહવા-છોડવાની તાકાત છે કે નહિ? લ્યો, આવો પ્રશ્ન! અહીં કહે છે-વિભાવમાં એવી બિલકુલ તાકાત નથી. આ આત્મા પોતાના સિવાય બીજા આત્માઓ અને પરમાણુને વિભાવ-ઈચ્છા વડે ગ્રહે કે છોડે તે શક્ય નથી. મુનિરાજને આહાર લેવાની ઈચ્છા થઈ તો તે