૨૨૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ઈચ્છા વડે આહાર ગ્રહણ કરી શકે છે એમ નથી. ભાઈ! આવવાની ચીજ સંયોગમાં આવે, ને જવાની જાય-તે તેનાથી થાય છે, જીવની ઈચ્છાથી બિલકુલ નહિ; આવે તે પણ પોતાથી ને જાય તે પણ પોતાથી. આવી વસ્તુસ્થિતિ અલૌકિક છે.
‘દાણે દાણે ખાનારનું નામ’ - એમ કહે છે ને? તેનો અર્થ શું? કે જે રજકણો આવવાના હોય તે તેના કારણે આવે છે, તારી ઈચ્છાને કારણે નહિ. ઈચ્છાની મર્યાદા ઈચ્છામાં રહી, તે ઈચ્છાનું પરમાં કાંઈ ચાલે નહિ; પરનાં ગ્રહણ-ત્યાગ ઈચ્છાના સામર્થ્યમાં નથી. આ તો મૂળ પાઠ છે હોં; જુઓ વાંચોઃ
પ્રભુ! એકવાર સાંભળ તું સંતોની વાત. અહાહા...! અંદર જ્ઞાન-શ્રદ્ધાન અને સ્વરૂપની રમણતા પ્રગટયાં હોય તેને કદાચિત્ આહાર લેવાની વૃત્તિ ઉઠે, પણ તે વૃત્તિને લઈને તે આહાર ગ્રહણ કરી શકે એમ નથી; વળી આજે આઠમ, ચૌદશ છે માટે ઈચ્છાને લઈને તે આહાર છોડી શકે એમ નથી; ઈચ્છાને લઈને આહાર આવ્યો ને અટકી ગયો એ વાતમાં કાંઈ તથ્ય નથી. આહારનું આવવું ને અટકી જવું એ તે તે પરમાણુઓની સ્વાધીન ક્રિયા છે. ભાઈ! તારા અસ્તિત્વમાં તને વૃત્તિ ઉઠે છે, પણ તેથી પરના અસ્તિત્વને ગ્રહે કે છોડે એવું તેનું સ્વરૂપ નથી.
હા, પણ મુનિરાજ વસ્ત્રાદિ તો છોડી શકે કે નહિ? ના, ભાઈ! ના; બાપુ! વૃત્તિ ઉઠે, પણ વસ્ત્રાદિ છોડી ન શકે. વસ્ત્રાદિ છોડયાં એમ કહીએ એ બીજી વાત છે (વ્યવહાર છે), પણ એમ માને એ તો મિથ્યાત્વ છે ભાઈ! જાણવું..... જાણવું..... જાણવું બસ એ જ્ઞાનનું (આત્માનું) સામર્થ્ય છે; વૃત્તિ ઉઠે એને પણ જાણે એ એનું સામર્થ્ય છે, પણ પરને ગ્રહે-છોડે એ એનું સામર્થ્ય નથી. અહાહા...! પોતે જેમ અસ્તિપણે સત્ છે તેમ બીજા પદાર્થો પણ અસ્તિપણે સત્ છે. છે. તેની પર્યાયનું અસ્તિત્વ તેનાથી હોય કે તારાથી હોય? ભાઈ! આ તો ન્યાયથી વાત છે.
પ્રશ્નઃ– હા, પણ બળવાન હોય તેનું ચાલે ને? ઉત્તરઃ– પરમાં જરાય ન ચાલે, કોઈનું ન ચાલે, હું બળવાન છું માટે પરનું કામ કરી શકું એમ કોઈ (મિથ્યા) અભિમાન કરે તો કરે, પણ પરનું કાંઈ કરી શકે નહિ; આવી વસ્તુસ્થિતિ છે ભાઈ! મુનિરાજ તો રાગના પણ કર્તા નથી. શું થાય? રાગ (યથા સંભવ) આવે છે, આવ્યા વિના રહેતો નથી, પણ તેથી તે કાંઈ પરનું કરી શકે એમ ત્રણકાળમાં નથી. ભાઈ! પરદ્રવ્યની પર્યાયનું હોવાપણું પરદ્રવ્યથી-એનાથી છે, બીજાથી તે પર્યાય ત્રણકાળમાં થતી નથી.