૨૨૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આત્માનો દેહ છે એમ શંકા ન કરવી. દેહ આત્માની ચીજ નથી એમ નિઃશંક થવું. સમજાણું કાંઈ...?
‘(અહીં “જ્ઞાન” કહેવાથી “આત્મા” સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે).’
જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાન જ્ઞાનને જાણે, અનંતા ગુણને જાણે, આત્માને જાણે અને અનંતા પરપદાર્થોને પણ જાણે એવો આત્માનો અસાધારણ ગુણ છે. તેથી જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે, અભેદ વિવક્ષામાં લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે તેથી આચાર્યદેવે આત્માને જ્ઞાન જ કહ્યો છે. અહીં લક્ષ્યનો લક્ષણમાં આરોપ કરીને તે લક્ષણને-જ્ઞાનને જ આત્મા કહ્યો છે, તેથી અહીં ‘જ્ઞાન’ શબ્દે ‘આત્મા’ સમજવો એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?
‘જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણ-ત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.’ અહો! જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાની અરૂપી- અમૂર્તિક ચીજ છે, ને કર્મ-નોકર્મ તો રૂપી-મૂર્તિક છે. હવે અરૂપી એવો આત્મા રૂપી કર્મ- નોકર્મને ગ્રહે-છોડે એ સંભવિત નથી, કેમકે ભગવાન આત્મા પરના ગ્રહણ-ત્યાગથી રહિત-શૂન્ય છે. અહાહા...! પરને અડે નહિ તે પરને કેમ ગ્રહે-છોડે? માટે પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી.
આ બહારના વેપારધંધા બધી પર ચીજ છે, તેને આત્મા ગ્રહતો નથી કે છોડતો નથી. એ પરપદાર્થ તો એના જ્ઞાનનું જ્ઞેય-પરજ્ઞેય છે, વ્યવહારે હો; નિશ્ચયે તો તત્સંબંધી જે જ્ઞાન પ્રગટ થયું તે તેનું જ્ઞેય છે. અહા! નિજ જ્ઞાયકસ્વભાવને જ્ઞેય કરનારું જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે, બાકી તો બધાં થોથાં છે.
જુઓ, આ બોટાદના એક મુમુક્ષુ ભાઈ મુંબઈમાં લાખોના ધંધા કરતા હતા ત્યાંથી નિવૃત્ત થઈ ગયા. નાની ઉંમરમાં નિવૃત્તિ લઈ સ્વાધ્યાય કરે છે. બહેનનું વચનામૃત પુસ્તક વાંચી તે એમ બોલ્યા- ‘અનુભવ પ્રગટ થવા માટે આ નિમિત્ત છે.’ અરે ભાઈ!