આશય એમ છે કે-જેમ પરદ્રવ્યના આશ્રયે પોતાની નવી નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટતી નથી તેમ મોક્ષમાર્ગની નિર્મળ પર્યાયના આશ્રયે પણ પોતાની નવી નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટતી નથી. એક શુદ્ધ ચૈતન્યસત્તામય સ્વદ્રવ્યના આશ્રયે જ નવી નિર્મળ-નિર્મળ પર્યાય પ્રગટે છે. તેથી ત્યાં નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. (ત્યાં તો પર્યાયનો-નિર્મળ પર્યાયનો પણ -આશ્રય છોડાવી સ્વદ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે.) સમજાણું કાંઈ...?
અહીં જે શુભરાગનો વિકલ્પ છે તેને પરદ્રવ્ય કહ્યું છે, કેમકે તે પરાશ્રિત ભાવ છે. નવતત્ત્વના ભેદનું શ્રદ્ધાન, ભેદનું જ્ઞાન ને રાગનું આચરણ-વેદન એ બધા પરાશ્રિત ભાવ હોવાથી પરદ્રવ્ય છે, માટે તે ખરેખર મોક્ષમાર્ગ નથી, એક નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે સ્વ-આશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.
અહાહા...! આત્મા પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન નામ જ્ઞાન-આનંદની લક્ષ્મીનો ભંડાર છે. પર્યાય, રાગ ને નિમિત્તથી હઠી, તેની સન્મુખ થવાથી શુદ્ધ દર્શન- જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે, તે મોક્ષમાર્ગ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે એમ ‘જ’ કહીને એકાન્ત કર્યું છે. આ સમ્યક્ એકાન્ત છે અને તે બીજો કોઈ (વ્યવહાર, રાગ) મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરે છે. નિશ્ચય મોક્ષમાર્ગ આત્માશ્રિત છે માટે તે સ્વદ્રવ્ય છે. અહાહા...! નિર્વિકલ્પ નિરાકુળ આનંદની દશાનો અનુભવ તે સ્વદ્રવ્યાશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અહીં આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષમાર્ગ તે આત્મા-સ્વદ્રવ્ય છે, અને શરીરાશ્રિત-પરાશ્રિત જે ભાવ તે પરદ્રવ્ય છે, આત્મા નથી એમ વાત છે. સમજાણું કાંઈ..?
‘મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (-આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના જ પરિણામ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.’
જુઓ, આ ભાવાર્થ પં. શ્રી જયચંદજીએ લખેલો છે. તેઓ શું કહે છે? કે મોક્ષ છે તે સર્વકર્મના અભાવરૂપ આત્મપરિણામ છે. એક તો મોક્ષ છે તે આત્મપરિણામ છે અને તે સર્વકર્મના અભાવરૂપ આત્મ-પરિણામ છે. અહાહા..! મોક્ષ અર્થાત્ સિદ્ધપદ એટલે શું? આત્માની પૂર્ણ પવિત્ર, પૂર્ણ વીતરાગ, પૂર્ણ આનંદમય દશાનું નામ મોક્ષ છે. દુઃખથી મૂકાવું ને પૂર્ણ પવિત્ર વીતરાગ પરિણામનું પ્રગટ થવું એનું નામ મોક્ષ છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે, તે આત્મ-પરિણામ છે. માટે, કહે છે, તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. જુઓ, આ ન્યાય કહે છે. એમ કે- આત્માના પૂર્ણ દર્શન, જ્ઞાન, સુખ અને