સ્ત્રીનો વિષય નથી, તેમને આપણી જેમ આહારપાણી નથી, હજારો વર્ષે આહારની વૃત્તિ ઉઠે ત્યારે કંઠમાંથી અમૃત ઝરી જાય. આમ રસના ઈન્દ્રિયનો વિષય નથી. એકેન્દ્રિય જીવો હણાય એવું પણ ત્યાં નથી. તો પછી તેમને સંયમ કહેવાય કે નહિ? ન કહેવાય. અંદર આત્માનું શ્રદ્ધાન થયા પછી અંતર્લીનતા થતાં આહારાદિનો વિકલ્પ ઉઠતો નથી તેનું નામ સંયમ છે. માત્ર બાહ્ય ત્યાગ તે સંયમ નથી. યાવત્-જીવન બાહ્ય ત્યાગ હોવા છતાં ભગવાને તેમને સંયમ કહ્યો નથી, કેમકે સંયમ સ્વસ્વરૂપમાં લીનતા-રમણતાનું નામ છે.
અરે! લોકોને સંયમ શું ચીજ છે એની ખબર નથી. સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટયા પછી નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં અધિક-અધિક લીનતા-રમણતા થવી, અતીન્દ્રિય આનંદની ભરપુર જમાવટ થવી તેને સંયમ કહે છે. અહીં એ જ કહે છે કે નિશ્ચયથી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. અહાહા...! ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને સ્પર્શીને, તેમાં એકાગ્રતા-લીનતા-રમણતાપૂર્વક જે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તે જ મોક્ષનું કારણ છે કેમકે તેની પૂર્ણતા થાય તે મોક્ષ છે. મોક્ષ પણ આત્માના પરિણામ અને તેનું કારણ પણ આત્મપરિણામ છે. આ સિદ્ધાંત છે. વ્યવહારના આશ્રયવાળા પરિણામ કદીય મોક્ષનું કારણ થતા નથી, કેમકે તે અનાત્મપરિણામ છે. સમજાણું કાંઈ...! હવે કહે છે-
‘લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.’
આ દેહની નગ્ન દશા, પંચમહાવ્રતના પરિણામ, અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન-એ દેહમય લિંગ છે, માટે તે પુદ્ગલદ્રવ્યમય છે. મુનિરાજને તે હોય છે અવશ્ય, પણ તે મોક્ષમાર્ગ નથી. વ્રતાદિના પરિણામ તે રાગભાવ છે, તે દેહાશ્રિત-પરાશ્રિત ભાવ છે અને પરદ્રવ્યમય-પુદ્ગલદ્રવ્યમય છે; તેથી તે મોક્ષમાર્ગ નથી.
આવું સ્પષ્ટ છે છતાં કોઈ લોકો શુભ જોગ છે તે મોક્ષમાર્ગ છે એમ પોકારે છે; શુભરાગને ધર્મ માનતા નથી તે તમારું એકાન્ત છે-એમ કહે છે.
કોઈ ગમે તે કહે; અહીં સ્પષ્ટ વાત છે કે-શુભભાવ છે તે રાગ છે, વિભાવ છે, દુઃખ છે. અહા! દુઃખના તે પરિણામ શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું કારણ કેમ થાય? તે મોક્ષનું કારણ કેમ થાય? કદીય ન થાય.
અરે! પર પ્રત્યેના રાગની રુચિના કારણે તે અનંતકાળથી રઝળ્યો છે, રાગની રુચિ ખસ્યા વિના અંદર ધ્રુવ એક જ્ઞાયકભાવ પોતે છે તેની રુચિ થતી નથી. અહાહા..! અનંત અનંત ગુણોની ખાણ એક જ્ઞાયકસ્વભાવમય પોતે છે; તેની દ્રષ્ટિ અને રુચિ