પરિણામ પ્રગટ થાય છે, મોક્ષમાર્ગને મોક્ષ પ્રગટ થાય છે. અરે! પણ પોતે પોતાને જ ભૂલી ગયો છે, ને ભૂલની ભ્રમણાથી ભવભ્રમણ કર્યા કરે છે; કદીક ઉઠે છે તો દેહમય લિંગમાં-દ્રવ્યલિંગમાં મૂર્ચ્છા પામી તેને જ મોક્ષમાર્ગ માને છે! પણ ભાઈ! લિંગ દેહમય છે, જડ પુદ્ગલદ્રવ્યમય છે, તે મોક્ષનું કારણ નથી. શરીરની ક્રિયા ને રાગની ક્રિયા તે મોક્ષનું કારણ નથી.
ત્યારે કોઈ વળી કહે છે- આ તો નવો સોનગઢનો પંથ છે. બાપુ! આ કોઈ નવો પંથ નથી, કોઈના ઘરનો પંથ નથી, સોનગઢનો પંથ નથી; આ તો અનાદિકાલીન વીતરાગનો પંથ છે.
બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે- કનકને કાટ નથી. અગ્નિને ઉધઈ નથી, તેમ આત્માને આવરણ, ઉણપ કે અશુદ્ધિ નથી. સાદી ભાષામાં આ તો મૂળ રહસ્ય કહ્યું છે. અહાહા..! આત્મા પરિપૂર્ણ પ્રભુ ત્રિકાળ નિરાવરણ શુદ્ધ છે, બેહદ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. તેના આશ્રયે નીપજતા પરિણામ મોક્ષનું કારણ બને છે, પણ દેહમય લિંગ મોક્ષનું કારણ નથી, કેમકે પરમાર્થે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરતું નથી એ નિયમ છે. કરે છે એમ કહીએ એવો વ્યવહાર છે, પણ પરમાર્થે એમ વસ્તુસ્થિતિ નથી; અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરે એમ વસ્તુસ્થિતિ નથી.
અનંત કાળે આવો અવસર મળ્યો તો આનો નિર્ણય કરજે ભાઈ! હમણાં નહિ કરે તો ક્યારે કરીશ બાપુ? બહારના પ્રતિકૂળ પ્રસંગમાં પણ આ વસ્તુને પકડજે. કોઈ ઉપસર્ગ આવે તેને પણ ગણીશ મા. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર અંદર છલોછલ ભર્યો છે તેમાં ડૂબકી લગાવી તેમાં જ નિમગ્ન થઈ જા. એ જ મોક્ષનો મારગ છે અને એનું જ ફળ મોક્ષ છે; રાગ કાંઈ મારગ નથી, દેહમય લિંગ એ મારગ નથી; કારણ કે અન્ય દ્રવ્યને અન્યદ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે. આવી વાત! સમજાણું કાંઈ...?