Pravachan Ratnakar (Gujarati). Gatha: 411.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3691 of 4199

 

ગાથા–૪૧૧
यत एवम्–
तम्हा जहित्तु लिंगे सागारणगारए हें वा गहिदे।
दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे।। ४११।।
तस्मात् जहित्वा लिङ्गानि सागारैरनगारकैर्वा गृहीतानि।
दर्शनज्ञानचारित्रे आत्मानं
युक्ष्व मोक्षपथे।।४११।।

જો આમ છે (અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું-એમ હવે ઉપદેશ કરે છેઃ-

તેથી તજી સાગાર કે અણગાર–ધારિત લિંગને,
ચારિત્ર–દર્શન–જ્ઞાનમાં તું જોડ રે! નિજ આત્મને. ૪૧૧.

ગાથાર્થઃ– [तस्मात्] માટે [सागारैः] સાગારો વડે (-ગૃહસ્થો વડે) [अनगारकैः वा] અથવા અણગારો વડે (-મુનિઓ વડે) [गृहीतानि] ગ્રહાયેલાં [लिङ्गानि] લિંગોને [जहित्वा] છોડીને, [दर्शनज्ञानचारित्रे] દર્શનજ્ઞાનચારિત્રમાં- [मोक्षपथे] કે જે મોક્ષમાર્ગ છે તેમાં- [आत्मानं युंक्ष्व] તું આત્માને જોડ.

ટીકાઃ– કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે.

ભાવાર્થઃ– અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનજ્ઞાનચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે-ભેખમાત્રથી (વેશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન- ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગનાં સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.