વળી છદ્મસ્થ ગુરુનો કેવળજ્ઞાની વિનય કરે એમ કેટલાક કહે છે, પણ એ યથાર્થ નથી. પોતાથી મોટા હોય તેના બહુમાનનો વિકલ્પ આવે, પણ ભગવાન કેવળીથી કોઈ મોટું છે નહિ તો ભગવાન કોનો વિનય કરે? વળી ભગવાન કેવળી તો પરમ વીતરાગ છે, તેમને વિનયનો વિકલ્પ ક્યાં છે? તેથી ભગવાન છદ્મસ્થ ગુરુનો વિનય કરે એમ કહેવું ખોટું છે. એ તો કેવળજ્ઞાનમાં જણાય કે પૂર્વે આ મારા ગુરુ હતા, બસ એટલું જ.
વળી ગુરુની ભક્તિ કરતાં કરતાં મુક્તિ થઈ જાય એમ કેટલાક કહે છે તે પણ ખોટું છે. ગુરુ પ્રત્યેનાં વિનય-ભક્તિનો શુભરાગ જરૂર આવે, પણ એનાથી મુક્તિ થઈ જાય, રાગ કરતાં કરતાં વીતરાગતા થઈ જાય એ ત્રણકાળમાં સત્યાર્થ નથી.
અંતરંગમાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો હોય તેને વ્રતાદિ વ્યવહારના વિકલ્પ હોય છે, અને તેને બાહ્ય નિમિત્ત જાણી વ્યવહારથી સાધન કહે છે, પણ જેને અંતરંગમાં નિશ્ચય પ્રગટ જ નથી તેના વ્રતાદિ સાધન કેમ હોય? વ્યવહારથી પણ તે સાધન કહેવાતાં નથી. આવી વાત વ્યવહારના પક્ષવાળાને ન બેસે, પણ શું થાય? આવો જ માર્ગ છે; બેસે કે ન બેસે, આ સત્ય છે. તેથી કાંઈ વ્રતોને છોડાવ્યાં છે એમ આશય નથી, પણ વ્રતોનું મમત્વ, વ્રતાદિ મોક્ષમાર્ગ છે એવો મિથ્યા અભિપ્રાય છોડાવ્યા છે. અહીં આશય એમ છે કે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી - વ્રતમાત્રથી મોક્ષ નથી. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા-સ્થિરતા બસ એક જ મોક્ષમાર્ગ છે, તેમાં જ જોડાવાથી મોક્ષ થાય છે. એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ. અહીં તો કેવળ બાહ્ય વેશથી મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરવું છે. બાહ્યવેશ ગમે તે હોય એમ નહિ, બાહ્યવેશ તો દિગંબર નગ્નદશા જ હોય, પણ કેવળ એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ થાય એમ છે નહિ; તેને સાધન કહ્યું છે એ તો આરોપથી ઉપચારથી કહ્યું છે.
હવે આ જ અર્થને દઢ કરતી આગળની ગાથાની સૂચનરૂપ શ્લોક કહે છેઃ-
‘आत्मनः तत्त्वम् दर्शन–ज्ञान–चारित्र–त्रय–आत्मा’ આત્માનું તત્ત્વ દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે);
જોયું? આત્માનું તત્ત્વ નામ યથાર્થ રૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રિકસ્વરૂપ છે. આત્મ તત્ત્વ તો ત્રિકાળ છે. અહીં એનું તત્ત્વ એટલે તેના વાસ્તવિક પરિણમનની વાત છે. એમ કે નિર્મળ રત્નત્રયરૂપ પરિણમન થાય તે એનું વાસ્તવિક તત્ત્વ-સ્વરૂપ છે. (વ્યવહાર રત્નત્રય આત્માનું વાસ્તવિક રૂપ નથી) આવી વાત! હવે કહે છે -