Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3714 of 4199

 

સમયસાર ગાથા-૪૧૨ઃ ૨૬૩

નજર હોય છે, તેથી તેમને ક્રમબદ્ધની યથાર્થ શ્રદ્ધા-માન્યતા હોતી નથી; તેમને સમ્યક્ પુરુષાર્થ હોતો નથી. તેઓને તો નિયતવાદી મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે.

અહીં ચારિત્રની વાત છે. સ્વસ્વરૂપની અંર્તદ્રષ્ટિ સહિત તેમાં જ વિશેષ રમણતા લીનતા હોય તેને ચારિત્રવંત મુનિ કહીએ. એવા ચારિત્રવંતને, કહે છે, નિરંતર તેનું જ ધ્યાન કર, અર્થાત્ સ્વરૂપલીનતાથી હઠ મા. ત્યાં જ તૃપ્ત થઈ જા; બહાર વ્યવહારના વિકલ્પ તો દુઃખનું વેદન છે. ગાથામાં આવે છે ને કે-

“આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો! ઉત્તમ થશે”

જ્ઞાનમાત્ર નિજ સ્વરૂપમાં લીન થઈ તેમાં જ તૃપ્ત-તૃપ્ત થવું તે પરમ ધ્યાન છે, તે પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. અહા! સ્વસ્વરૂપમાં લીનતા એવું જે ધ્યાન તે ધ્યાનમાં જ જે તૃપ્ત થઈ રહે છે, બહાર (વિકલ્પમાં) આવતો નથી તે અવશ્ય મોક્ષ સુખને પામે છે. હવે આમ છે ત્યાં વ્યવહારને વાસ્તવિક સાધન માને તે કઈ રીતે યોગ્ય છે?

હવે કહે છે- ‘तं चेतति’ તેને જ ચેતે-અનુભવે છે તે પુરુષ પરમાત્માના રૂપને અવશ્ય પામે છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. તેના આનંદના સ્વાદની મીઠાશમાં જે રમે છે અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે તે પુરુષ અચિરાત્ અર્થાત્ અલ્પકાળમાં સમયના સારને પામે છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર તો અન્ય દ્રવ્ય છે અને તેમનાં વિનયભક્તિનો ભાવ પણ અન્યદ્રવ્ય છે. વ્યવહાર રત્નત્રયનો રાગ અન્ય દ્રવ્ય છે. અહા! તેને અડતો નથી અને પોતાના સ્વરૂપમાં જ જે વિહાર કરે છે તે અલ્પકાળમાં જ મોક્ષપદને પામે છે-ભાઈ! તું શ્રદ્ધા તો કર કે માર્ગ આ જ છે. તને આ મોંઘો કઠણ લાગે પણ આ અશક્ય નથી. છે તેને પામવું તેમાં અશક્ય શું? દ્રષ્ટિ ફેરવીને ચીજ અંદર છતી-વિદ્યમાન છે ત્યાં દ્રષ્ટિ લગાવી દે.

ભાઈ! તને વ્યવહાર.... વ્યવહાર -એમ વ્યવહારનો પક્ષ છે પણ એની તો દિશા જ પર તરફ છે. હવે પર દિશા ભણી જાય તેને સ્વની પ્રાપ્તિ કેમ થાય? સીધો આથમણે દોડે તેને ઉગમણો હાથ આવે એમ કેમ બને? ન બને. વ્યવહારના-રાગના ભાવ તો પરલક્ષી છે, તે તો આત્માને સ્પર્શતા જ નથી. માટે એનાથી આત્મપ્રાપ્તિ થાય એમ કદીય બનવું સંભવ નથી. માટે કહે છે-પરદ્રવ્યને સ્પર્શ્યા વિના જ જે પુરુષ સ્વસ્વરૂપમાં નિરંતર વિહરે છે તે અવશ્ય મોક્ષપદને પામે છે.

એ આવ્યું છે ને ભાઈ! ગાથામાં કે-

“વિદ્વદ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને.” -૧પ૬.