૨૬૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ખરેખર તો સમકિતિ હોય તેને વિદ્વાન્ કહ્યો છે. અહીં તો બહુ શાસ્ત્ર ભણી- ભણીને થયો હોય ને! તેને નામથી વિદ્વાન્ કહ્યો છે, ભણી-ભણીને કાઢયું આ. શું? કે ભૂતાર્થ પરમાર્થસ્વરૂપ વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને વ્યવહાર કાઢયો, વ્યવહાર કરતાં કરતાં (આત્મપ્રાપ્તિ) થાય એમ કાઢયું. પણ ધૂળેય નહિ થાય સાંભળને. વ્યવહારમાં પ્રવર્તશે તેને સંસાર ફળશે. અહા! ભૂતાર્થને ભૂલી વ્યવહારનું આચરણ કરે તે તો વિદ્વાન હોય તોય મિથ્યાદ્રષ્ટિ જ છે. ચાવલ (કણ) છોડીને ફોતરા ખાંડે એના જેવો એ મૂઢ છે અહીં કહે છે- સ્વરૂપની દ્રષ્ટિ સહિત જેને અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન થયું છે અને જે નિજ સ્વરૂપમાં જ નિત્ય વિહાર કરે છે તે પુરુષ, થોડા જ કાળમાં જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને અવશ્ય પામે છે.
‘જેનો ઉદય નિત્ય રહે છે-એટલે શું? કે મોક્ષની પર્યાય જે પ્રગટ થઈ તે સાદિ- અનંતકાળ સદાય એવી ને એવી રહેશે. ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે. તો મોક્ષદશા પ્રગટ થઈ તે હવે પછી અનંત અનંતકાળ સદાય એવી ને એવી રહેશે.
ચોથા આરામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થઈ જાય છે. પણ અહીં, પંચમ આરાના મુનિરાજ છે તે પોતાની વાત કરે છે એમ કે અહીંથી સ્વર્ગમાં જશું, ત્યાંથી મનુષ્ય થઈને ત્રીજે ભવે મોક્ષ જશું. પાંચમો આરો છે, અમારો પુરુષાર્થ ધીમો છે, કેવળજ્ઞાન અને મોક્ષ થાય એવો હમણાં પુરુષાર્થ નથી, પણ ત્રીજે ભવે અમે જરૂર મોક્ષપદ પામશું. આ તો સૌને સાગમટે નોતરું છે. એમ કે નિજ સ્વરૂપનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતા કર, તેમાં જ વિહર; અમે કોલકરાર કરીએ છીએ કે ત્રીજે ભવે તું મોક્ષપદ પામીશ. બેનશ્રીમાં (-વચનામૃતમાં) આવે છે ને કે-“જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય.” એમ કે જ્ઞાયકપણે જીવ નિત્ય છે તે અમે દ્રષ્ટિમાં લીધો છે, નજરમાં લીધો છે તે હવે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય. અહીં કહે છે -અલ્પકાળમાં અવશ્ય પ્રાપ્ત થશે. લ્યો, આવી વાત.
જુઓ, પહેલાં પરણવા આવતા ત્યારે પરણવા આવનારને (વરને) સુતરનો ગુંચભર્યો ફાળકો ગુંચ ઉકેલવા આપતા. એમ કે ગુંચ ઉકેલવાની એનામાં ધીરજ છે કે નહિ એમ કસોટી કરતા. અહીં કહે છે-ભાઈ! તું અનાદિ વ્યવહારની ગુંચમાં ગુંચાયો છો. જો તારે મોક્ષલક્ષ્મીને વરવું છે તો ધીરજથી અને સાહસથી ગુંચને ઉકેલી નાખ. વ્યવહાર સાધન છે એ અભિપ્રાયને છોડી દે તો ગુંચ ઉકલી જશે. અહા! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એ એક જ સાધકભાવ છે. તેનો કાળ અસંખ્ય સમયનો છે. તેના ફળમાં મોક્ષદશા પ્રગટ થાય. તેનો રહેવાનો કાળ અનંત-અનંત સમયનો છે.
-ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અનાદિ-અનંત છે. -તેના આશ્રયે પ્રગટ થયેલી સાધકદશા સાદિ-સાંત અસંખ્ય સમય છે.