મગ્ન થઈ ભ્રમથી કલ્યાણ માની આચરણ કરે છે. પણ એ તો અજ્ઞાન અને મિથ્યા આચરણ સિવાય કાંઈ નથી. પરમાર્થ વચનિકામાં આ વાત પં. બનારસીદાસજીએ કરી છે.
અહા! જેમ આકાશનું ક્ષેત્ર અમાપ... અમાપ અનંત છે. તેમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યપ્રભુ અમાપ.. અમાપ અનંતગુણરત્નોથી ભરેલો રત્નાકર છે, અહા! તેનું માપ કેમ નીકળે? વ્યવહારનો રાગ છે એ તો ઉપર-ઉપરની સ્થૂળ મર્યાદિત ચીજ છે. એનાથી સૂક્ષ્મ ચૈતન્ય મહાપ્રભુનું માપ કેમ નીકળે? ન નીકળે. તેનું માપ (-જ્ઞાન) તો અંતર્દ્રષ્ટિથી પ્રાપ્ત સૂક્ષ્મ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાનથી જ થાય છે, અને તેની પ્રાપ્તિ શુદ્ધચેતનાપરિણતિરૂપ મોક્ષમાર્ગથી જ થાય છે. ભાઈ! આ જ રીત છે. મૂઢ જીવો તેને અવગણીને ક્રિયાકાંડમાં જ ગરકાવ-મગ્ન રહે છે, પણ તેથી તેમને કાંઈ સાધ્ય થતું નથી, માત્ર સંસાર જ ફળે છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
હવે કહે છે-કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધાત્મા? તો કહે છે-
‘नित्य उद्योतम्’ નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શકતું નથી),......
અહાહા....! ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ નિત્યપ્રકાશનો ધ્રુવપિંડ છે. નિત્ય ઉદયરૂપ ધ્રુવનો કોણ નાશ કરે? અહાહા! સદાય વધઘટ વિનાનું એકરૂપ ધ્રુવ તત્ત્વ પ્રભુ આત્મા નિગોદમાં ગયો ત્યારે પણ એવો ને એવો હતો, એના દ્રવ્યસ્વભાવમાં કાંઈ વધઘટ ન થઈ, અને હમણાં પણ એવો ને એવો જ છે. અહા! આવો નિત્ય ધ્રુવ પ્રકાશનો પુંજ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન વિરાજે છે. પણ અરે! એણે રાગની રમતમાં રોકાઈને નિજ તત્ત્વને ભાળ્યું નહિ!
વળી તે- ‘अखण्डम्’ અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), અને ‘एकम्’ એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી),......
શું કીધું? ગમે તેટલા જ્ઞેયોને જાણે તોપણ જ્ઞાન ખંડખંડ થતું નથી. અહા! ભગવાન પૂર્ણજ્ઞાનઘન પ્રભુ અખંડ પદાર્થ છે, એકરૂપ છે. જાણવાની-દેખવાની એમ અનંતગુણની અનંતી પર્યાયોરૂપ પરિણમવા છતાં ત્રિકાળ એકરૂપ જ્ઞાયકરૂપ જ રહે છે. અહાહા....! આવી અખંડ એકરૂપ નિજજ્ઞાયકવસ્તુનાં દ્રષ્ટિ ને અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. અહા! ચક્રવર્તી ના રાજકુમારો આવું સમ્યગ્દર્શન પામે છે અને પછી સ્વરૂપમાં રમણ કરવા જંગલમાં ચાલ્યા જાય છે. દીક્ષા લેવા જતી વેળા માતાની આજ્ઞા માગે છે કે -માતા મને રજા આપ, અંદર આનંદનો નાથ મારા અનુભવમાં આવ્યો છે, પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે હવે હું જંગલમાં જઈ સાધના કરવા માગું છું. માતા! તારે