૨૬૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ રોવું હોય તો રોઈ લે, પણ હવે અમે બીજી માતા નહિ કરીએ, હવે અમે પૂર્ણ મોક્ષપદ થોડા જ વખતમાં લેશું.
સમ્યગ્દ્રષ્ટિ ધર્મીને જોડે વ્યવહાર રત્નત્રયનો રાગ આવે છે. તે આવે છે તેથી સહકારી જાણી તેનું સ્થાપન કર્યું છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી, વાસ્તવમાં તે બંધ પદ્ધતિ જ છે. તેને વ્યવહાર મોક્ષમાર્ગ તરીકે વ્યવહારનયથી સ્થાપન કર્યું છે, નિશ્ચયથી તે મોક્ષમાર્ગ નથી. ભાઈ! આ જિનેન્દ્રદેવનું ફરમાન છે. છતાં કોઈ મોક્ષમાર્ગના ભ્રમમાં રહી વ્યવહાર-દ્રવ્યલિંગની મમતા કરે છે તો કરો, પણ તેને શુદ્ધ આત્માની- સમયસારની પ્રાપ્તિ થતી નથી.
વળી કેવો છે તે સમયસાર? તો કહે છે-
‘अतुल आलोकं’ અતુલ (-ઉપમા રહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી.) ,.... સૂર્યનો પ્રકાશ તો જડ છે. સૂર્ય તો જડ પ્રકાશનો પુંજ છે, જ્યારે ભગવાન આત્મા તો ચૈતન્યપ્રકાશનો પુંજ છે. તેથી સૂર્યાદિકના પ્રકાશ સાથે તેની ઉપમા આપી ન શકાય તેવો અતુલ પ્રકાશપુંજ પ્રભુ આત્મા છે.
વળી કેવો છે? ‘स्वभाव–प्रभा–प्राग्भारं’ સ્વભાવ-પ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે). જેમાં રાગાદિ વિભાવની ગંધ નથી એવો સ્વભાવપ્રભાનો પુંજ પ્રભુ આત્મા છે. રાગ તો અંધકાર છે. જેને રાગનો રસ છે તેને ભગવાન આત્મા અનુભવમાં આવતો નથી.
વળી કેવો છે? ‘अमलं’ અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે). પુણ્ય-પાપના ભાવથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે, આવો રાગરહિત શુદ્ધ ચૈતન્યમય આત્મા જેની દ્રષ્ટિમાં ન આવે તેને ધર્મ ન થાય. રાગ અને વ્યવહારના પ્રેમીઓ અંદર રાગરહિત શુદ્ધ આત્મા છે તેને પામતા નથી.
આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણ સમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્ય સમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય? ન થાય.
(પ્રવચન નં. પ૦૦ થી પ૦૪ * દિનાંક ૨૨-૧૧-૭૭ થી ૨૬-૧૧-૭૭)