પ્રભુ આત્માને કહેનારું હોવાથી, કહે છે, આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ સમાન છે. સર્વપ્રકાશક આત્મા પરબ્રહ્મ, ને તેને કહેનારું આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ.
અહા! પ્રભુ! તું કોણ છો? તો કહે છે- સ્વપરપ્રકાશક એવો વિશ્વપ્રકાશક ભગવાન આત્મા છો. પૂરા વિશ્વને જાણી શકે, પણ વિશ્વની કોઈ ચીજને આત્મા કરી શકે એમ નહિ. ભાઈ! આ ત્રિલોકીનાથ ભગવાન જિનેન્દ્રનો આ હુકમ છે કે ખાય, પીવે ને પરને લઈ-દઈ શકે કે પરમાં-પરમાણુમાં કોઈ ક્રિયા કરે એ આત્માનું સ્વરૂપ નથી, સામર્થ્ય નથી. એને સર્વજ્ઞસ્વભાવ કહ્યો એમાં તો ઉપાદાન અને નિમિત્ત સૌ સ્વતંત્ર સિદ્ધ થઈ ગયા, પ્રત્યેક દ્રવ્ય સ્વાધીન સિદ્ધ થઈ ગયું. પરમાણુ-પરમાણુ પરિણમે તેને આત્મા પ્રકાશે છે બસ.
પણ પરની દયા તો પાળે કે નહિ? કોણ દયા પાળે? એ તો શરીરમાં આત્મા રહ્યો છે તે પોતાની યોગ્યતાથી રહ્યો છે ને આયુકર્મ તેમાં નિમિત્ત છે બસ. બાકી પરને કોણ જિવાડે? બીજો એના શરીરને રાખે તો રહે એમ વસ્તુ જ નથી. દયાનો વિકલ્પ આવે તેનોય એ તો જાણનારમાત્ર છે. અહા! આ છેલ્લી ગાથામાં સાર સાર વાત કહી દીધી છે.
અહા! સર્વજ્ઞ પરમેશ્વરે સર્વજ્ઞપર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જાણ્યા અને દિવ્યધ્વનિ દ્વારા કહ્યા. એમાં આ આવ્યું કે - આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. સર્વને જાણવું તે આત્માનું સ્વરૂપ છે, પણ કોઈને કરવું તે આત્માનું સ્વરૂપ નહિ. રાગ આવે તેને જાણે, પણ રાગ કરવો એ આત્માનું સ્વરૂપ નહિ. એ તો બારમી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. ચારે બાજુથી જોતાં ભાઈ! એક જ વાત સિદ્ધ થાય છે કે આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે, અર્થાત્ અકર્તાસ્વભાવ છે. અહા! આવા આત્માનો અનુભવ થવો તે નિશ્ચય અને તેની દશામાં જે હજુ રાગ છે તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. સ્વપરને, શુદ્ધતાને ને રાગને જાણવાં બસ એટલી વાત છે.
વિશ્વપ્રકાશક પરબ્રહ્મ પ્રભુ આત્મા છે તેને કહેનારી વાણીને શબ્દબ્રહ્મ કહીએ. દ્વાદશાંગ વાણી શબ્દબ્રહ્મ છે. ભગવાનની ૐધ્વનિ છૂટી, તેને સાંભળી ભગવાન ગણધરદેવ અર્થ વિચારૈ ને દ્વાદશાંગની રચના કરે. તે દ્વાદશાંગ વાણી શબ્દબ્રહ્મ છે. તેને અનુસરીને આત્મજ્ઞાની-ધ્યાની મુનિવરો આગમની રચના કરે છે. એવું આ એક પરમાગમ છે તે, કહે છે, શબ્દબ્રહ્મ છે.
બાર અંગમાં એક (પ્રથમ) આચારાંગ છે. તેના ૧૮૦૦૦ પદ હોય છે. એકેક પદમાં પ૧ ક્રોડથી ઝાઝેરા શ્લોક હોય છે. પછી ઠાણાંગ આદિ-એમાં બમણા-બમણા પદો હોય છે. એમ બાર અંગની રચના હોય છે. ઓહોહોહો.....! અબજો શ્લોક! બાર