Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3760 of 4199

 

સમયસાર ગાથા-૪૧પઃ ૩૦૯

તેનું જ સ્મરણ અને ધ્યાન રાખો. તેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.

*

હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૨૪૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इति इदम् आत्मनः तत्त्वम् ज्ञानमात्रम् अवस्थितम्’ આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- ‘अखण्डम्’ કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), ‘एकम्’ એક છે (અર્થાત્ અખંડ હોવાથી એકરૂપ છે), ‘अचलं’ અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથી-જ્ઞેયરૂપ થતું નથી), ‘स्वसंवेद्यम्’ સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), ‘अबाधितम्’ અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).

આ સમયસારનો છેલ્લો કળશ છે. શું કહે છે? કે આ રીતે આ આત્માનું તત્ત્વ એટલે કે પરમાર્થભૂત સ્વરૂપ જ્ઞાનમાત્ર નક્કી થયું. અહાહા.....! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાનમાત્ર વાસ્તવિક સ્વરૂપ છે એમ નક્કી થયું. આ જે નવતત્ત્વ-જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્યને પાપ છે તેમાં જીવ તત્ત્વ છે તે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે એમ કહે છે. આ આત્મા જગતનું નેત્ર અર્થાત્ જગત્નો જાણનાર-દેખનાર માત્ર છે. પોતા સિવાય પરમાં એ કાંઈ કરતો નથી એવો તે અકર્તા પ્રભુ છે. પરનો તો શું, નિશ્ચયે તો એ પોતાની પર્યાયનોય કર્તા નથી. ઝીણી વાત છે પ્રભુ! હું પર્યાયને કરું એમ ક્યાં છે એમાં? પ્રત્યેક સમય પર્યાય તો થાય જ છે. તેથી ખરેખર તો પર્યાય જ પર્યાયની કર્તા છે. (દ્રવ્યને કર્તા કહીએ તે વ્યવહાર છે).

અરે! આ કરું ને તે કરું-એમ મિથ્યા ભાવ વડે અનંતકાળથી એ ચોરાસીના અવતારમાં રઝળે છે. પંચમહાવ્રતની ક્રિયા એણે અનંતવાર કરી, ને બહારમાં મુનિપણું એણે અનંતવાર લીધું. પણ ભાઈ! એ કોઈ એની ચીજ (સ્વરૂપ, વસ્તુ) નથી, ભગવાન આત્મા તો જ્ઞાનમાત્ર સ્વરૂપ જ છે. અહાહા...! જ્ઞાનચક્ષુ-જગતચક્ષુ ભગવાન આત્મા જગતનો જાણનાર-દેખનાર માત્ર છે, કરનારો નહિ. આ એનાં દ્રષ્ટિ, અનુભવ ને રમણતા કરવાં એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.

હવે કહે છે- આ જ્ઞાનમાત્ર નક્કી થયું એ આત્માનું તત્ત્વ અખંડ છે. અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી. જરી ઝીણી વાત છે. પ્રભુ! તું સાંભળ. આ જ્ઞાન જ્ઞેયોને જાણે છે તો જ્ઞાન અનેક જ્ઞેયાકારરૂપ થઈ ગયું છે એમ નથી. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો; તો જ્ઞાન જ્ઞેયોને જાણે છે, પણ જ્ઞેયોને જાણતાં કાંઈ જ્ઞાન જ્ઞેયાકારરૂપ થઈ જાય છે એમ નથી.