૩૧૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જ્ઞેય શબ્દે શું આવ્યું? તો કહે છે -આત્મા જ્ઞાન છે, ને આખું વિશ્વ જ્ઞેય છે. આ દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ, ને દેવ-ગુરુ આદિ પંચપરમેષ્ઠીથી માંડીને આખી દુનિયા જ્ઞેય છે. એને જ્ઞાન જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. અરે! લોકોએ પોતાનું મૂળ તત્ત્વ શું છે એને સાંભળવાની-સમજવાની દરકાર સુદ્ધાં કરી નથી; એમ ને એમ અનંતકાળ એનો રખડવામાં જ ગયો છે.
અહીં કહે છે- આત્માનું જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે. અખંડ કેમ કહ્યું? કે આત્માના જ્ઞાનમાં જ્ઞેયો જાણવામાં તો આવે છે પણ જ્ઞેયોને જાણતાં જ્ઞાન ખંડખંડ જ્ઞેયાકારપણે થઈ જાય છે એમ નથી; જ્ઞેયો વડે જ્ઞાન ખંડિત થઈ જતું નથી. જ્ઞેયોને જાણનારું જ્ઞાન જ્ઞાનાકાર જ રહે છે. જેમ આંખ દ્વારા અગ્નિ દેખવામાં આવે છે તો અગ્નિ કાંઈ આંખમાં પેસી ગઈ છે એમ નથી, અથવા આંખ અગ્નિ થઈ ગઈ છે એમ નથી. તેમ જ્ઞાનમાં અગ્નિ દેખવામાં આવે છે ત્યાં અગ્નિ કાંઈ જ્ઞાનમાં-આત્મામાં પેસી ગઈ નથી, વા જ્ઞાન અગ્નિ થઈ ગયું છે એમ નથી. અગ્નિથી જ્ઞાન ખંડિત થઈ અગ્નિરૂપ થઈ ગયું નથી, જ્ઞાન જ્ઞાન જ રહ્યું છે. આવી વાત!
પણ આ પ્રત્યક્ષ દેખાય છે ને? શું દેખાય છે? શું જ્ઞાન પરજ્ઞેયરૂપ થઈ જાય છે? કદીય નહિ. એ તો જ્ઞાન જ્ઞાનસ્વરૂપે જ રહીને પરજ્ઞેયોને જાણે છે. અરે, શું કહીએ? આત્મા પરદ્રવ્યને તો કદીય સ્પર્શ્યો જ નથી. અહાહા....! આ ચૈતન્ય મહાપ્રભુ પરદ્રવ્ય-કર્મ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, દેવ-ગુરુ-શાસ્ત્ર-ઈત્યાદિને કદી અડતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી ચુંબતું -અડતું નથી આ સિદ્ધાંત છે. (જુઓ ગાથા ૩, ટીકા). ભાઈ! મારગ તો આવો સૂક્ષ્મ છે ભગવાન!
આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે તો જ્ઞાન જ્ઞેયને જાણે છે કે નહિ? ભાઈ! નિશ્ચયે તો જ્ઞાન જ્ઞાન જ છે, જ્ઞાન પરજ્ઞેયને જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે. જ્ઞાનનો જાણન... જાણન સ્વભાવ છે તો સ્વતઃ પોતાના સ્વભાવથી જ જ્ઞાન સ્વપરને જાણે છે. પણ ત્યાં જ્ઞેયને જાણવાથી અહીં જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞેયને જાણવાપણે પરિણમે એ જ્ઞાનનું સહજ સામર્થ્ય છે, જ્ઞેયને લઈને જ્ઞાન થયું નથી. જ્ઞેયને જાણનારું જ્ઞાન પોતાના સહજ સામર્થ્યથી જ જ્ઞાનરૂપે પ્રગટ થયું છે, જ્ઞેયની એને પરાધીનતા નથી. હવે આવી તત્ત્વજ્ઞાનની વાત ભાઈ! ખાસ ફુરસદ લઈને સમજવી જોઈએ. આ જિંદગી તો ચાલી જાય છે બાપુ! ક્ષણમાં દેહ ફુ થઈને ઉડી જશે. અરે, આ સમજ્યા વિના એ ક્યાં ક્યાં રખડશે? ક્યાંય ચારગતિરૂપ ભવસમુદ્રમાં ડૂબી જશે.
કહે છે-પ્રભુ! તું જ્ઞાનમાત્ર છો, ને તારું તત્ત્વ અખંડ છે. અહાહા....! એક એક શબ્દે કેટલી ઊંડપ ભરી છે! અહા! જ્ઞાન તો જ્ઞાનરૂપે પરિણમ્યું છે, કાંઈ જ્ઞેયાકારરૂપ