જ્ઞેયો ઝળકે છે તે જ્ઞાન પોતાના સહજ પરિણમનસ્વભાવથી જ પરિણમે છે. કેવળજ્ઞાનની પર્યાય પણ સ્વપણે છે, ને પરપણે નથી; માટે જ્ઞેયો ભિન્ન ભિન્ન (સમયે-સમયે) પરિણમે છે માટે જ્ઞાનને (કેવળજ્ઞાનને) ભિન્ન ભિન્ન પર્યાયે પરિણમવું પડે છે એમ નથી. જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ કોઈ માને એને તો પોતાના જ્ઞાનસ્વભાવની અને એના પરિણમનસ્વભાવની ખબર નથી, અર્થાત્ એને પોતાના સ્વભાવનો જ નિષેધ-નકાર વર્તે છે. ભાઈ! જે-પણે આત્મા-જ્ઞાન નથી એનાથી એ જાણે એ કેમ બને! કદીય ના બને. જ્ઞાન પરજ્ઞેયપણે નથી, તેથી પરજ્ઞેયથી જ્ઞાનનું પરિણમન થાય એમ ત્રણકાળમાં બની શકે નહિ. પ્રભુ! તારા સત્ત્વનો એમ (મિથ્યા માન્યતા વડે) નકાર ન કરાય. તને વસ્તુના સ્વરૂપની ખબર નથી તેથી તું મિથ્યા તર્ક વડે અસત્ય સ્થાપિત કરે પણ તેથી કાંઈ સત્ય ફરી નહિ જાય. (તારે ફરવું પડશે).
વળી કોઈ અત્યારે કહે છે કે-જ્ઞાન, જે પર્યાય અપ્રગટ (અવિદ્યમાન) છે (વર્તમાન પર્યાયની જેમ ભૂત-ભવિષ્યની પર્યાય પ્રગટ નથી) તેને પ્રગટ જાણે તો તે જૂઠું થઈ ગયું, કેમકે પ્રગટ નથી તેને વર્તમાન પ્રગટપણે જાણે એ તો જૂઠું થઈ ગયું.
સમાધાનઃ– ભાઈ! પ્રગટ નથી એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાએ કહ્યું છે. ભૂત-ભવિષ્યની અપેક્ષાએ તો તે (ભૂત-ભવિષ્યની પર્યાયો) પ્રગટ જ છે. જ્ઞાન (જ્ઞેયોની) ત્રણકાળની પર્યાયોને, અને પર્યાયો જ્ઞાનને ‘અડકે’ છે -એમ શાસ્ત્રમાં પાઠ આવે છે; એનો અર્થ એ થયો કે જાણવાની પર્યાય તેમને જાણે છે. જેટલી પર્યાયો જ્ઞેયપણે-નિમિત્તપણે છે તે બધી પર્યાયો જ્ઞાનમાં જણાઈ જાય છે, કારણ કે જ્ઞેયોનો પ્રમેયસ્વભાવ છે, ને જ્ઞાનનો પ્રમાણસ્વભાવ છે. ત્યાં આટલું છે કે પરજ્ઞેયોને જાણનારું જ્ઞાન પરજ્ઞેયપણે થતું નથી, ને જ્ઞાનમાં જણાઈ રહેલા પરજ્ઞેયો જ્ઞાનપણે થતા નથી. આવી ઝીણી વાત છે ભાઈ!
અહો! આ તો ટૂંકા શબ્દોમાં આચાર્યદેવે તત્ત્વનું ઊંડું રહસ્ય ખોલી દીધું છે. કહે છે-તું છો? તો કહે-હા; તો તું તારાથી છો કે પરથી છો? કોઈ (અજ્ઞાની) કહે-પરથી છું. પણ ભાઈ પરથી છું એમ માનતાં જ પોતાપણે છું એમ ન રહ્યું. મલિનતા (દોષ) થઈ ગઈ. જ્ઞાનમાત્ર વસ્તુ તે-પણે છે, અને તે-પણે નથી, અતત્ છે. મતલબ કે તે પરપણે નથી. માટે છદ્મસ્થને પણ જ્ઞેયને લઈને જ્ઞાન થાય એમ કદી નથી. ભલે જ્ઞેયનું જ્ઞાન-એમ કહેવાય (વ્યવહારે), પણ જ્ઞેયને જાણનારું જ્ઞાન આત્માનું છે તે જ્ઞાન પરપણે છે જ નહિ, તો પછી પરથી જણાણું છે એમ ક્યાં રહ્યું? ભાઈ? આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, પણ પ્રતિસમય થતી એની પર્યાય છે તે પણ તત્-અતત્સ્વભાવ છે. અર્થાત્ એ પર્યાય પર્યાયપણે તત્ છે, ને પરપણે અતત્ છે. માટે એ પર્યાય પરના-નિમિત્તના કે કર્મના કારણે થાય છે એમ કદીય નથી. સમજાણું કાંઈ...?