૩પ૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જે તત્ છે તે જ અતત્ છે. અહા! આટલા શબ્દોમાં તો નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર ને ક્રમબદ્ધ પર્યાય-બધાનો ફેંસલો થઈ જાય છે. પર્યાય સ્વકાળે જે ક્રમબદ્ધ પ્રગટ થઈ તે પોતાથી તે-પણે છે, ને વળી તે તે-પણે નથી, અર્થાત્ પરપણે નથી, પૂર્વની, ભવિષ્યની કે પરદ્રવ્યની પર્યાયપણે તે નથી. તેથી ભૂત-ભવિષ્યની પર્યાય કે પરદ્રવ્યની પર્યાય આ પર્યાયનું શું કરે? કાંઈ જ ન કરે. એ તો સહજ જ સ્વકાળે પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ! આમાં કોઈ પંડિતાઈ ન ચાલે, આ તો અંતરની રુચિની ચીજ છે બાપુ! અંતરમાં સ્વરૂપની રુચિ જાગતાં સહજ સમજાય એવી ચીજ છે ભાઈ! ઓહો! ભગવાનની ૐધ્વનિમાં આવ્યું કે -તું જે તત્ છો તે તું અતત્ છો. આમ છતાં તને પરને ફેરવવાની હોંશ કેમ આવે? પરની આશ તને કેમ રહે? અહા! તારું જ્ઞાન જે- પણે નથી એ બધી આ વળગાડ ક્યાંથી આવી? (જરા વિચાર કર ને સ્વમાં પ્રવૃત્ત થા).
હા, પણ આ મંદિર આવું મનોહર થયું તે ઈજનેરની હોશિયારીથી થયું કે નહિ? ભાઈ! આ મંદિરની જે કાળે જે પ્રકારે પર્યાય થવાયોગ્ય હતી તે થઈ છે; તે પોતાથી તત્ છે, ને પરથી અતત્ છે, અર્થાત્ ઈજનેરની હોશિયારી-જ્ઞાનથી અતત્ છે. ઈજનેરની હોશિયારીથી આ મંદિર બન્યું છે એમ માનવાની અહીં ના પાડે છે; કારણ કે તે તે-પણે (ઈજનેરપણે) નથી. આવી ઝીણી વાત ભાઈ! ખરેખર તો જે પર્યાય વસ્તુની છે તે અંશ પોતાથી છે, ને પરથી-નિમિત્તથી નથી એમ સ્વીકારે ત્યારે જ એ સત્પણે સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...?
આ તો વીતરાગનો મારગ બાપુ! એમાંથી તો વીતરાગપણું જ ઊભું થાય છે. અહા! હું મારાપણે-જ્ઞાનમાત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈ પરપદાર્થની જરૂર ભાસતી નથી. પર પ્રત્યેની તેની ઇચ્છામાત્ર વિરામ પામી જાય છે. હું શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું જ્યાં પર્યાયમાં જાણપણું થયું ત્યાં એને શરીરાદિ અનુકૂળ સંયોગની ભાવના રહેતી નથી. અરે! એની પરમ પ્રીતિ-ભક્તિનાં ભાજન એવા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ એને ગરજ (અપેક્ષા) ભાસતી નથી; કેમકે એ બધાંને એ પરજ્ઞેય જાણે છે. આકરી વાત બાપુ! પણ આ સત્ય વાત છે, ધર્મીના અંતરની વાત છે.
પ્રશ્નઃ– આમાં તો નિમિત્ત ઉડી જાય છે. ઉત્તરઃ– ના, નિમિત્ત ઉડતું નથી, નિમિત્તનું નિમિત્તપણે સ્થાપન થાય છે. નિમિત્તથી કાર્ય થાય એમ માને ત્યાં નિમિત્ત ઉડી જાય છે, કેમકે એમ માનતાં નિમિત્ત નિમિત્તપણે રહેતું નથી. પરના કાર્યના કર્તાપણે નિમિત્તને ઘુસાડી દેવાથી નિમિત્તનું નિમિત્તપણું રહેતું નથી. ભાઈ! હું પોતાપણે છું, ને પરપણે નથી આ પરમાર્થ છે.