પર ભલે હો, એને લઈને હું નથી, તો પછી એને લઈને મારામાં કાર્ય થાય એમ ક્યાં છે? એમ છે જ નહિ. સમજાણું કાંઈ.....?
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહ્યું છે ને! એનો અર્થ એ થયો કે અંદરમાં (- પર્યાયમાં) જે રાગ છે તે-પણે પણ આત્મા નથી. ભગવાન આત્મા જ્ઞાન.... જ્ઞાન... જ્ઞાનપણે તત્ છે, અને તે જ અતત્ છે અર્થાત્ તે રાગપણે નથી; દયા, દાન, વ્રત આદિનો જે રાગ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ તે રાગપણે આત્મા નથી. તેથી વ્યવહારના રાગથી આત્મામાં કાંઈ (જ્ઞાન) થાય એમ છે નહિ. વ્યવહારનો રાગ નથી હોતો એમ વાત નથી, એનાથી આત્માનું (જ્ઞાનમય) કાર્ય નીપજે છે એમ નથી. જેમ પરદ્રવ્યરૂપ નિમિત્ત અકિંચિત્કર છે તેમ રાગ પણ આત્માના સ્વભાવકાર્ય પ્રતિ અકિંચિત્કર છે. બાપુ! આ તો એકલું અમૃત ઝર્યું છે. આ વાણી તો માનો અમૃત વરસ્યાં રે પંચમકાળમાં!’
ભાઈ! પર-નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ (ઉત્સાહ, વીર્યની સ્ફુરણા) અંદરમાં જવી જોઈએ. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ, કેમકે હું સ્વપણે-જ્ઞાનમાત્રપણે છું એવો સમ્યક્ નિર્ણય, પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી થશે? હું પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છું એવો યથાર્થ નિર્ણય તો ત્રિકાળી દ્રવ્યમાં ઢળવાથી જ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે, અર્થાત્ વસ્તુ પોતે જ આ પોકાર કરી કહી છે. અહા! આ તત્-અતત્ના બોલમાં કેટલું ભર્યું છે! આખો દરિયો ભર્યો છે; ભાવો બ્રહ્માંડના ભર્યા એમ આવે છે ને! ભાઈ! આ સમજવા તારે ખૂબ ધીરજ જોઈશે. વસ્તુ વસ્તુપણે તત્ છે, ને તે અતત્ છે અર્થાત્ પરપણે નથી આ જૈન દર્શનની મૂળ વાત છે અને તે મહત્વના સિદ્ધાંત સ્થાપિત કરે છે કે-
- નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ ન થાય. - વ્યવહારથી નિશ્ચય ન થાય. - બધું જ ક્રમબદ્ધ થાય. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં, ને વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો, પરંતુ એ જ્ઞાનના પરજ્ઞેયપણે જ છે, સ્વજ્ઞેય નહિ.
અહા! ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજે છે એને લઈને હું નહિ, એને લઈને મારું જ્ઞાન નહિ. ગજબ વાત છે ને! હું તો શુદ્ધ એક શાશ્વત જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ છું. હવે આવી વાત કાને પડે ને અંદર હકાર આવે એય અસાધારણ ચીજ છે. બાકી (જ્ઞાનસ્વરૂપમાં) તદ્રૂપ થઈ પરિણમે એની તો શી વાત! એ તો સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રપૂર્વક સિદ્ધપદને પામશે.