૩પ૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અરે! હજુ તો લોકોને કેવળજ્ઞાનમાંય વાંધા છે; એમ કે જ્ઞેય બદલે છે એને લઈને સમયે સમયે કેવળજ્ઞાન બદલે છે. પણ એમ નથી ભાઈ! એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પોતાપણે છે ને પરજ્ઞેયપણે નથી. જ્ઞાનને પોતાના ઉત્પાદ-વ્યયપણે ક્ષણેક્ષણે થવું ને જ્ઞાનપણે ધ્રુવ રહેવું એવું તત્પણું પોતાથી જ છે, ને પરજ્ઞેયથી તેને અતત્પણું જ છે. તેથી જ્ઞેય બદલાય છે માટે કેવળજ્ઞાનને બદલવું પડે છે એમ છે નહિ. તથા કેવળજ્ઞાન બદલાય છે માટે પરજ્ઞેયોને બદલવું પડે છે એમેય છે નહિ. જ્ઞાન પોતાના સામર્થ્યથી જ પ્રતિસમય કેવળજ્ઞાનપણે પરિણમે છે, તેને કોઈ પરજ્ઞેયની અપેક્ષા નથી; અને નિજ સામર્થ્યથી સ્વયં પરિણમી રહેલા પરજ્ઞેયોને જ્ઞાનની પણ કોઈ અપેક્ષા નથી. આવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ છે. આ ભગવાનની વાણીમાં આવેલો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. લ્યો, આવો આ તત્-અતત્નો એક બોલ થયો.
હવે બીજો બોલઃ ‘જે (વસ્તુ) એક છે તે જ અનેક છે,.....’ શું કીધું આ? કે જ્ઞાનમાત્ર વસ્તુ જે એક છે તે જ અનેક છે. જે-પણે એક છે તે- પણે અનેક છે એમ નહિ, એ તો એકાંત થઈ ગયું. આ તો ભગવાન આત્મા દ્રવ્યપણે એક છે અને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે- એમ વાત છે, અનેક પરવસ્તુને લઈને અનેક છે એમેય નહિ. પણ આત્મા અવિનાશી વસ્તુ છે તે ગુણ-પર્યાયને અભેદ કરીને દ્રવ્યપણે એક છે, અને તે જ અનેક ગુણ-પર્યાયના ભેદની વિવક્ષાથી અનેક છે. એમાં અનંત ગુણો, અનંત પર્યાયો છે કે નહિ? એ અપેક્ષાએ જે એક છે, તે જ અનેક છે. આનું નામ સ્યાદ્વાદ છે.
એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહિ, તથા બધા આત્માઓ ભિન્ન ભિન્ન છે એ અપેક્ષાએ અનેક છે એમેય નહિ. વસ્તુ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ કહેતાં જ તે અનંતગુણનો પિંડ દ્રવ્યપણે એક છે, ને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે એમ આવી જાય છે. અનંત શક્તિઓ અને અનંત પર્યાયો છે તે એને અનેકપણું છે. એક ને અનેક બન્ને આત્મામાં જ છે, એક જ વસ્તુમાં છે. (એને પરવસ્તુથી સંબંધ નથી).
અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઈત્યાદિથી ભિન્ન હોવાપણે જે છે તે ભગવાન આત્માના હોવાપણાના બે પ્રકારઃ વસ્તુ તરીકે અસંખ્ય પ્રદેશોનો પિંડ અભેદ એક છે, અને એને જ ગુણ-પર્યાયના ભેદથી જોવામાં આવે તો તે અનેક છે. અનેક છે માટે અનેકનો આશ્રય લેવો એ પ્રશ્ન અહીં નથી. આ તો અનેકાન્તમય વસ્તુ આવી છે એમ જાણવાની વાત છે. એક છે તે જ અનેક છે, છતાં વર્તમાન પર્યાયને આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો જ છે. ભિન્ન ભિન્ન પર્યાયો અનેક છે એ તો ખરું, પણ દ્રષ્ટિ તો ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્ય પર રહે તો જ ‘જે એક છે તે જ અનેક છે’ -