એમ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. ભાઈ! આ અંતરની ચીજ છે બાપુ! વસ્તુ શુદ્ધ જ્ઞાયકસ્વભાવપણે એક છે એમ એકનો નિર્ણય તો એકમાં ઢળેલી અનેક એવી પર્યાયે કર્યો છે. ત્યાં એકના નિર્ણયમાં આત્મવસ્તુ પર્યાયે અનેક છે એમ આવી જાય છે. વસ્તુ-સ્થિતિ જ આમ છે, અર્થાત્ વસ્તુ જ આ પોકારીને સિદ્ધ કરે છે.
હવે ત્રીજો બોલઃ ‘જે સત્ છે તે જ અસત્ છે,.....’ શું કીધું? કે આત્મા સ્વસ્વરૂપથી છે.... છે.... છે, પોતાના હોવાપણે છે, અને તે જ પરથી અસત્ છે અર્થાત્ પરથી હોવાપણે નથી. અહાહા...! હું સ્વસ્વરૂપથી સત્ છું એમ જ્યાં સ્વસ્વરૂપની અસ્તિનો નિર્ણય થયો ત્યાં પરવસ્તુ મારામાં નથી, પરથી હું અસત્ છું એમ ભેગું આવી જાય છે. જે પોતાથી સત્ છે તે જ પરથી અસત્ છે એમ અહીં ટુંકામાં લીધું છે. આગળ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છે તે જ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ છે એમ આઠ બોલથી વિસ્તારથી લેશે.
ચોથો બોલઃ ‘જે નિત્ય છે તે જ અનિત્ય છે.....’ અહાહા.....! આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય પ્રભુ આત્મા છે તે દ્રવ્યરૂપથી નિત્ય છે, અને તે જ પર્યાયરૂપથી અનિત્ય છે. પર્યાય જે પ્રતિસમય પલટે છે તે વડે તે અનિત્ય છે. અહાહા......! આ હું ત્રિકાળી ધ્રુવ છું એમ નિર્ણય કોણ કરે છે? તો કહે છે -અનિત્ય એવી પર્યાય તે નિત્યનો નિર્ણય કરે છે. નિર્ણય પર્યાય કરે છે, ધ્રુવ કાંઈ નિર્ણય કરતું નથી. નિત્યનો-ધ્રુવનો કે અનિત્યનો નિર્ણય નિત્ય-ધ્રુવ ન કરે, નિર્ણય તો અંદર ઢળેલી અનિત્ય-પર્યાયમાં જ થાય છે. આવી વાત!
અહો! ત્રિલોકીનાથ ભગવાનની વાણીમાં આવેલું રહસ્ય સંતોએ બહુ ટુંકા શબ્દોમાં જગત સમક્ષ જાહેર કર્યું છે. કહે છે-ભાઈ તું ધ્રુવ અવિનાશી નિત્ય છો. પહેલાં નિત્ય નહોતું માન્યું, અને હવે માન્યું તો તે શેમાં માન્યું? અંદર ઢળેલી અનિત્ય પર્યાયમાં માન્યું છે. ભાઈ! વસ્તુ જ આવી નિત્ય-અનિત્ય છે, ને અનિત્ય પર્યાયમાં જ નિત્યનું જ્ઞાન- શ્રદ્ધાન થાય છે. સમજાણું કાંઈ......?
આમ એક વસ્તુમાં તત્-અતત્, એક-અનેક, સત્-અસત્ (આઠ બોલ) તથા નિત્ય-અનિત્ય એમ કુલ ચૌદ બોલ થયા. હવે કહે છે-
‘એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.’
જુઓ, શું કહે છે! કે ‘વસ્તુુમાં વસ્તુપણાની નિપજાવનારી....’ એટલે શું? એટલે કે વસ્તુનું ગુણપર્યાય તે વસ્તુપણું છે તેની નિપજાવનારી અર્થાત્ વસ્તુમાં જે ભાવસ્વભાવ છે તેને પ્રકાશનારી વસ્તુને સિદ્ધ કરનારી અર્થાત્ તેને યથાર્થપણે અનુભવમાં