Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3807 of 4199

 

૩પ૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ (જ્ઞાનમાં) આવવા-લાયક કરનારી તત્-અતત્ આદિ પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. અહાહા...! જે તત્ છે, તે જ અતત્ છે; જે એક છે, તે જ અનેક છે; જે સત્ છે, તે જ અસત્ છે; જે નિત્ય છે, તે જ અનિત્ય છે- આમ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધતાસહિત ધર્મો રહેલા છે અને તે વસ્તુના વસ્તુપણાને નિપજાવે છે, સિદ્ધ કરે છે; અવિરોધપણે સાધે છે, પણ વસ્તુનો નાશ થવા દેતા નથી. અહા! વસ્તુમાં આવી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું તે, કહે છે, અનેકાન્ત છે. આ તો બાપુ! એકલું અમૃત છે. અરે! અનંતકાળથી એણે આ અભ્યાસ કર્યો નથી. એમ. એ. એલ. એલ. બી. નાં મોટાં પૂંછડાં-ઉપાધિ પ્રાપ્ત કરી પણ આ નિરુપાધિની ઉપાધિ (આત્માનું જ્ઞાન) પ્રાપ્ત કરી નહિ!

અહીં કહે છે-વસ્તુ જે તત્પણે જણાય છે તે જ અતત્પણે જણાય છે, જે એકપણે જણાય છે તે જ અનેકપણે જણાય છે, જે સત્પણે જણાય છે તે જ અસત્પણે જણાય છે, જે નિત્યપણે જણાય છે તે જ અનિત્યપણે જણાય છે. આમ વસ્તુમાં વસ્તુપણાની - સ્વભાવપણાની સિદ્ધ કરનારી એટલે કે અનુભવમાં આવવાલાયક કરનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. અહો! સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલા આ અમોઘ મંત્રો છે. જેમ ઘરમાં સાપ ગરી ગયો હોય તો કલમને મંત્રીને તેના માથા ઉપર નાખે કે તરત જ સાપ બહાર નીકળી જાય, તેમ આ મંત્રો વસ્તુ જેવી છે તેવી તેને બહાર લાવે છે. જ્ઞાનમાં પ્રગટ કરે છે.

આ અનેકાન્ત તો એકલું માખણ છે ભાઈ! વસ્તુને વલોવી-વલોવીને એકલું માખણ કાઢયું છે. કહે છે-ભગવાન! તું વસ્તુ છો કે નહિ? છો તો એમાં અનંત ધર્મો વસેલા છે. અનંત ધર્મોનું વાસ્તુ પ્રભુ તું છો. અહા! તે અનંત ધર્મોમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મોનું પ્રકાશવું છે તે, કહે છે, અનેકાન્ત છે. પોતાની આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં આવા ચૌદ બોલથી પ્રકાશે જ છે. સમજાય છે કાંઈ....? ભાઈ! આ સમજવા માટે ચિત્તની નિર્મળતા ને ધીરજ જોઈએ.

કહે છે- ‘પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, તત્-અતત્પણું, એક-અનેકપણું, સત્-અસત્પણું અને નિત્ય-અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે- તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે અને બહાર પ્રગટ થતા, અનંત જ્ઞેયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડે (- જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે) અતત્પણું છે (અર્થાત્ તે-રૂપે જ્ઞાન નથી);........’

શું કહ્યું? કે ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય પ્રભુ છે. તે અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ જ્ઞાનસ્વરૂપ વડે તત્ છે. અહા! નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ વડે