૩પ૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ઘરમાં શું છે એની વાત છે. શરીર, મન, વાણી, હાડ-ચામ ઈત્યાદિ તો બધું પર છે, ક્યાંય ધૂળ-રાખ થઈને ઉડી જશે. બાપુ! એ ક્યાં તારાં છે? ને એ તારે લઈને છે એમ પણ ક્યાં છે? વળી તું પણ ક્યાં એમાં છો? તું તો જ્ઞાનસ્વરૂપથી તત્ ને પરસ્વરૂપથી અતત્ એવો જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છો ને પ્રભુ! અહા! આ તત્-અતત્ ધર્મો તો તારા ભગવાનસ્વરૂપને નિપજાવે છે, સિદ્ધ કરે છે. (એમ કે પ્રસન્ન થઈને સ્વસ્વરૂપને સંભાળ).
અહા! હું મારાથી છું ને પરથી નથી એવો પોતે પોતાથી અનુભવ ના કર્યો તો (મનુષ્યદેહ પામીને) શું કર્યું? ધૂળેય ના કર્યું (કાંઈ જ ન કર્યું); ખાલી પરનાં અભિમાન કર્યાં. અરે ભાઈ! હું કોણ, કેવડો ને ક્યાં છું એનો વાસ્તવિક નિર્ણય કર્યા વિના તું ક્યાં જઈશ? આ અવસરમાં સ્વસ્વરૂપનો નિર્ણય કરવાનું છોડીને પરની તેં માંડી છે પણ ભાઈ! એ તો તારો ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ એના જેવો ઘાટ થયો છે. અહા! ઘરનાં ઠેકાણાં ન મળે ને પારકું કરવા તું ક્યાં હાલી નીકળ્યો! જરા વિચાર તો કર કે પરનું તું શું કરી શકે? ને પર તારું શું કરી શકે? તું એમ જાણે છે કે આ શરીર મારાથી હાલે છે, આ વાણી મારાથી બોલાય છે ઈત્યાદિ પણ એમ નથી બાપુ! કેમકે એ શરીર, વાણી આદિની તો તારામાં નાસ્તિ છે, ને તારી એનામાં નાસ્તિ છે. જરા ગંભીર થઈને વિચાર કર ને એક જ્ઞાયકસ્વરૂપ જ હું છું એમ નિર્ણય કર, અન્યથા ચોરાસીના અવતારમાં રઝળવાની બુરી વલે થશે. સમજાણું કાંઈ....! શ્રીમદે (આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરીને) કહ્યું છે ને કે-
જુઓ, અહીં કહે છે- ‘અને બહાર પ્રગટ થતા, અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરરૂપ વડે અતત્પણું છે.’ ‘અનંત જ્ઞેયપણાને પામેલા’ ભાષા જુઓ. અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, કુટુંબ-પરિવાર ને દેવ-ગુરુ-શાસ્ત્ર તથા તેના લક્ષે થતા પુણ્ય-પાપના ભાવ- એ બધા પરજ્ઞેય છે, બહારમાં પ્રગટ થતા એવા સ્વરૂપથી ભિન્ન છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના રાગ થાય છે તે બહારમાં પ્રગટ થાય છે અંતરંગમાં નહિ, ને સ્વરૂપથી ભિન્ન છે; તેથી તેઓ પરજ્ઞેય છે. આવી વાતુ છે ભાઈ! અરે! તારા ઘરની વાત તેં કોઈ દિ’ નિરાંતે સાંભળી નથી! તારાં ઘર તો મોટાનાં (મહાન) છે ભાઈ! બીજાની ઓશિયાળ ન કરવી પડે એવું તારું મોટું (અનંત વૈભવથી ભરેલું) ઘર છે બાપુ! અહા! સ્વરૂપની સાથે જેણે લગ્ન માંડયાં તેને પરની ઓશિયાળ શું? ભગવાન તું પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપે તત્ છો, ને જ્ઞેયસ્વરૂપે નથી માટે પૈસાથી કે રાગથી તને સુખ થાય એમ છે નહિ.