૩૭૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ રાખે છે, જ્યારે અજ્ઞાની જીવો પરને જ પોતાનું માની-માનીને પોતાનું જીવન રોળી- રગદોળી નાખે છે. આ એક બોલ થયો.
હવે કહે છે- ‘વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “ખરેખર આ બધું આત્મા છે” એમ અજ્ઞાનતત્ત્વને સ્વ-રૂપે (જ્ઞાનરૂપે) માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે (-સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાન્ત જ તેને પોતાનો (-જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી.
શું કહ્યું? જ્ઞાનમાત્રભાવ.... જાણગ જાણગસ્વભાવ તે આત્મા છે, અને પુણ્ય- પાપના ભાવ અને શરીર-મન-વાણી ઈત્યાદિ બધું અનાત્મા છે, અજ્ઞાનતત્ત્વ છે. તે અજ્ઞાનતત્ત્વને-અનાત્માને અજ્ઞાની જીવો આત્મારૂપ માને છે. અહા! આ પુણ્ય-પાપના ભાવ ને શરીર, મન, વાણી ઇત્યાદિ જે જ્ઞાનમાં પરજ્ઞેયપણે જણાય છે એ બધું હું આત્મા છું એમ અજ્ઞાની માને છે. ગજબ છે ભાઈ! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનપુંજ પ્રભુ સ્વરૂપથી-જ્ઞાનરૂપથી તત્ છે, ને પુણ્ય-પાપ આદિ તથા શરીરાદિ પરજ્ઞેયરૂપથી અતત્ છે. છે તો આમ; પણ એમ ન માનતાં પરજ્ઞેયોથી-શરીરાદિથી હું તત્ છું એમ અજ્ઞાનીઓ માને છે અને એ રીતે તેઓ પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માનો લોપ-અભાવ કરે છે.
કોઈ પૂછે કે- અજ્ઞાનીને ધર્મ કેમ થતો નથી? તો કહે છે- પોતે અંદર ચૈતન્ય પ્રકાશનો પુંજ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે તેને ‘આ હું છું’ એમ ન માનતાં આ પુણ્ય- પાપના પરિણામ હું છું, પુણ્યભાવથી મને લાભ-ધર્મ છે, ને જડ શરીરની ક્રિયાઓ (ઉપવાસાદિ) થાય છે તે મારી છે, શરીર મારું છે-એમ પર એવા અજીવ અને આસ્રવ તત્ત્વને તે આત્મા માને છે. પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ તે આસ્રવ તત્ત્વ છે. તે દુઃખ અને બંધનું કારણ છે, અને ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ ને અબંધસ્વરૂપ છે. આ રીતે આસ્રવ અને અજીવથી પોતાને-આત્માને ભિન્નતા હોવા છતાં તેને આત્મસ્વરૂપ માનીને તે પોતાના આત્માનો અનાદર કરે છે. હવે પોતાનો જ અનાદર-તિરસ્કાર કરે તેને ધર્મ કેમ થાય? ન થાય.
પ્રશ્નઃ– પુણ્ય-પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં? તેને અજ્ઞાનતત્ત્વ કેમ કહો?
ઉત્તરઃ– ભાઈ! પુણ્ય-પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં, પણ તેઓ વિભાવ અર્થાત્ વિપરીત ભાવ છે. તેઓ દુઃખરૂપ અને દુઃખ અને બંધના કારણરૂપ છે. વળી તેમાં ચૈતન્યનો-જ્ઞાનનો અંશ નથી. તેથી તેઓ ચૈતન્યથી જુદા અજ્ઞાનતત્ત્વ છે એમ કહીએ છીએ. સમજાણું કાંઈ........?